માંજલપુર પેટાચૂંટણીમાં આચારસંહિતા ભંગના આક્ષેપ સાથે અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ

વિશ્વામિત્રી બચાવો સમિતિની ચૂંટણી પ્રક્રિયા સામે ગંભીર રજૂઆત

MailVadodara.com - Demand-for-action-against-officials-over-allegations-of-Model-Code-of-Conduct-violation-in-the-Manjalpur-by-election

- મતદાન દરમિયાન ધાકધમકી અને બહારના લોકો પ્રવેશ્યાનો આક્ષેપ

- મતદાનમાં રેલી, ઢોલ-નગારા અને આચારસંહિતા ભંગના આક્ષેપ; નિષ્પક્ષ તપાસની માંગ

અમો વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરા એક બિનરાજકીય સંસ્થા તરીકે ભારતના બંધારણની જાળવણી, લોકશાહીનું રક્ષણ અને નગરજનોના વિશાળ હિતના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યરત છીએ.

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી હસ્તકની ૧૪૫-માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલના અવસાન બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં તા.૩૦/૦૭/૨૦૨૬ના રોજ મતદાન થયું હતું. મતદાન દરમિયાન અમારી સંસ્થાના સભ્યો દ્વારા વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ આદર્શ આચારસંહિતાનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી.

અમારી નજરે ૧૪૫-માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન લોકપ્રતિનિધિત્વ ધારો ૧૯૫૧ (The Representation of the People Act, 1951) તથા ચૂંટણી આચારસંહિતાના નિયમોનો ગંભીર ભંગ થયો હોવાનું જણાયું છે.

મતદાન સમયે મતવિસ્તાર બહારના તેમજ વડોદરા જિલ્લા બહારના કેટલાક લોકો વાહનો સાથે અને ખાનગી હથિયારો સાથે મતવિસ્તારમાં આવી ધાકધમકીનું વાતાવરણ ઉભું કરી મતદારોને પ્રભાવિત કરતા જોવા મળ્યા હતા. ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ક્રમાંક 464/INST/2007-PLN-I તારીખ ૦૮/૦૧/૨૦૦૭ના જાહેરનામામાં મતદાન શરૂ થવાના ૪૮ કલાક પહેલા મતવિસ્તારના મતદાર ન હોય તેવા લોકોને વિસ્તાર છોડવાનો નિયમ દર્શાવવામાં આવ્યો છે, તેમ છતાં આ નિયમનો અમલ થયો નથી.

આ ઉપરાંત The Representation of the People Act, 1951ની કલમ ૧૨૬(૧) મુજબ ચૂંટણીના સમયગાળામાં રેલી, ચૂંટણી સંબંધિત જાહેર પ્રચાર તથા લોકોને આકર્ષવા માટે વાજિંત્રોના ઉપયોગ ઉપર પ્રતિબંધ છે. છતાં તા.૩૦/૦૭/૨૦૨૬ના રોજ મતદાન દિવસે કેટલાક લોકો ઢોલ-નગારા, થાળી-વેલણ વગાડતા, ચૂંટણી ચિન્હ ધરાવતા ખેસ પહેરી ૧૫ થી ૨૦ લોકોના ટોળામાં મતદાર જાગૃતિના નામે રેલી સ્વરૂપે ફરતા જોવા મળ્યા હતા.

વડોદરા શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામાં ક્રમાંક G/CP/વિ.શા./ચાર કરતા વધુ જાહેરનામું/૩૩૮૯/૨૦૨૬ હેઠળ તા.૨૦/૦૭/૨૦૨૬ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરી તા.૨૧/૦૭/૨૦૨૬થી તા.૦૪/૦૮/૨૦૨૬ સુધી પોલીસ પરવાનગી વગર ચારથી વધુ લોકો ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમ છતાં મતદાન દિવસે આવા ટોળા રેલી સ્વરૂપે ફરતા રહ્યા અને તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

વિશ્વામિત્રી બચાવો સમિતિના જણાવ્યા મુજબ ચૂંટણી અધિકારી, રીટર્નીંગ ઓફિસર, જિલ્લા ચૂંટણી અધિકારી તથા પોલીસ અધિકારીઓએ નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણી યોજવાની પોતાની બંધારણીય ફરજ નિભાવવામાં બેદરકારી દાખવી છે. આ કારણે ભારતના ચૂંટણી પંચની Free & Fair ચૂંટણી પ્રક્રિયા અંગે પ્રશ્નો ઉભા થયા છે.

ચૂંટાયેલા ધારાસભ્યો, કોર્પોરેટરો તથા જાહેર જીવનમાં રહેલા વ્યક્તિઓ દ્વારા જો ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો તે વધુ ગંભીર બાબત છે. આવા કૃત્યો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને લોકશાહીની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવા જોઈએ.

અમારી માંગ છે કે ચૂંટણી દરમિયાન હથિયારો સાથે આવેલા અને હિંસક પ્રવૃત્તિ કરનારા લોકોને ઝડપી તેમની સામે કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. ઢોલ-નગારા અને રેલી દ્વારા આદર્શ આચારસંહિતાનો ભંગ કરનારા તથા જાહેરનામાનો ભંગ કરનારા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે.

સાથે જ ચૂંટણી અધિકારી, નોડલ ઓફિસર, જિલ્લા ચૂંટણી અધિકારી, ઈલેક્શન કમિશનના ઓબ્ઝર્વર્સ અને વડોદરા પોલીસ દ્વારા ફરજમાં બેદરકારી દાખવવામાં આવી હોય તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી ભવિષ્યમાં આવી ક્ષતિઓ ન થાય તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે.

Share :

Leave a Comments