- વડોદરા જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઈટીઆઈ તેમજ કોલેજોમાં આજે રજા જાહેર
ભારતીય હવામાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લામાં અતિ ભારે વરસાદ અને રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે, જેને પગલે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયાએ જાહેરનામું બહાર પાડીને આજે 1 ઓગસ્ટના રોજ જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ કર્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા વડોદરા સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. સંભવિત અનિચ્છનીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ ધામેલિયાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ જાહેરનામું બહાર પાડ્યું હતું.
જાહેરનામા મુજબ આજે 1 ઓગસ્ટના રોજ વડોદરા જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઈ.ટી.આઈ. તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ કર્યો છે.
કલેક્ટરે જાહેરનામામાં જણાવ્યું છે કે, ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા અને જાનમાલની સલામતીને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


