- ગટર-પાણી લાઈન લીકેજથી ધોવાણનો આક્ષેપ, 24 કલાક એલર્ટ રહેવા અપીલ
વડોદરા શહેરમાં વરસાદની શરૂઆત થતા જશહેરમાં ઠેર ઠેર ભુવા પડવાના બનાવો સામે આવી રહ્યા છે. શહેરના વૉર્ડ નંબર 12 વિસ્તારમાં અવારનવાર રસ્તાઓ પર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈને સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અકોટામાં વૉર્ડ નંબર 12ની ઓફિસ પાસે પડેલા એક ઊંડા ભુવામાં સવારે એક શ્વાન ખાબક્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી શ્વાનનું રેસ્ક્યુ કરી તેને બહાર કાઢ્યું હતું. સ્થાનિકોનો આરોપ છે કે વૉર્ડ નંબર 12 હવે ભૂવાઓનું 'એપિસેન્ટર' બની ચૂક્યું છે.
સ્થાનિક રહીશ અને આગેવાન રાકેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અવારનવાર ભુવા પડવાની ઘટનાઓ બને છે. દર અઠવાડિયે અહીં નવા ભુવાના દર્શન થાય છે. જો તંત્ર દ્વારા સમયસર કામગીરી કરવામાં નહીં આવે, તો રસ્તા પર પડતા ભુવા વહેલા-મોડા લોકોના ઘરની દીવાલો સુધી પહોંચી જશે અને મોટી હોનારત સર્જાશે.
સ્થાનિકના જણાવ્યા મુજબ, પાઈપલાઇનમાં લીકેજ થવાને કારણે અથવા ગટર કે પાણીની લાઈન તૂટવાથી રસ્તો અંદરથી ધોવાઈ જાય છે અને ભૂવો પડે છે. સ્થાનિકોનો આરોપ છે કે, તંત્ર દ્વારા જૂની અને જર્જરિત લાઈનોની ચકાસણી કરવાની કોઈ તસ્દી લેવામાં આવતી નથી. અધિકારીઓ ઘટના બન્યા પછી જ જાગે છે.
સવારના સમયે આ અચાનક પડેલા ઊંડા ભુવામાં એક શ્વાન ખાબક્યું હતું. ભુવો ખૂબ ઊંડો હોવાથી શ્વાન બહાર નીકળી શકતું નહોતું. બાદમાં ફાયર બ્રિગેડે આવીને તેને સક્ષમ રીતે બહાર કાઢ્યું હતું. સ્થાનિકે વ્યથા ઠાલવતા કહ્યું કે, સદનસીબે શ્વાન બચી ગયું, પરંતુ તે તો મૂંગું પ્રાણી છે, તે કોને ફરિયાદ કરવા જાય?
સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે, ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી કોર્પોરેશનના અધિકારીઓ અને ટીમ 24 કલાક એલર્ટ મોડ પર રહે અને સતત વિસ્તારોમાં ફરી પાણી અને ગટરની લાઇનોનું સમયસર ચેકિંગ કરવામાં આવે જેથી આવી ઘટનાઓ અટકાવી શકાય.


