- મધ્યરાત્રિના 3 વાગ્યે વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું
- લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાતા વહેલી સવાર સુધીમાં 100 વિદ્યાર્થીઓ, 40 વિદ્યાર્થિનીઓ અને 10 સ્થાનિક શ્રમિકો સહિત 150 લોકોને ટ્રેક્ટરમાં બેસાડી રેસ્ક્યૂ કરાયું
- જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલીયાએ મોડી રાતે દેવડેમની મુલાકાત લીધી હતી, ડભોઈ-શિનોરમાં એક ઇંચથી વધુ વરસાદ, પાદરા, કરજણ અને વડોદરા તાલુકામાં સામાન્ય વરસાદ
વડોદરા શહેર અને જિલ્લામાં ગઈકાલે (31 જુલાઈ )એ મોડી સાંજ બાદ ભારે વરસાદ વરસવાની શરૂઆત થઇ હતી. જેના કારણે જિલ્લામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં રાતે 8 કલાક બાદ વરસાદ બંધ થઇ ગયો હતો. પરંતુ જિલ્લામાં વરસાદનું જોર થોડું વધ્યું હતું જેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા.
શહેરમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિવિધ વિસ્તારોમાં મુલાકાત કરવામાં આવી હતી. તો જિલ્લામાં કલેક્ટર દ્વારા દેવ ડેમની મુલાકાત કરવામાં આવી હતી. વાઘોડિયા નજીક સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાતા ત્યાંથી 140 વિદ્યાર્થિની-વિદ્યાર્થીઓ સહિત 150 લોકોનું રેસ્કયૂ કરવામાં આવ્યું હતું. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ ઉપર ડભોઈના રાજલી ગામ પાસે પાણી ભરાતા માર્ગ બંધ કરવો પડ્યો છે.
વડોદરા શહેર અને વાઘોડિયા ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વાઘોડિયા રોડ પર આવેલા સુમનદીપ વિદ્યાપીઠ કેમ્પસમાં સ્થિત લક્ષ્મી હોસ્ટેલમાં અચાનક ચોમાસાના પાણીનો ભરાવો થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી મોડી રાત્રે જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મધ્યરાત્રિના આશરે 3 વાગ્યે વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરાયું હતું. વહેલી સવાર સુધીમાં કુલ 150 જેટલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ સ્થળાંતર કરાયેલા લોકોમાં 100 છાત્રાઓ, 40 છાત્રો અને 10 સ્થાનિક શ્રમિકોનો સમાવેશ થાય છે.
રેસ્ક્યૂ કરાયેલા તમામ વિદ્યાર્થીઓ અને શ્રમિકોને તાત્કાલિક સુરક્ષિત આશ્રયસ્થાને ખસેડીને તેમના માટે ભોજન, પીવાના પાણી અને પ્રાથમિક તબીબી તપાસ સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. સુમનદીપ વિદ્યાપીઠ કેમ્પસમાંથી પાણીના ઝડપી નિકાલ માટે પંપિંગ મશીનરી તૈનાત કરી દેવામાં આવી છે. વાઘોડિયા મામલતદારે માહિતી આપતાં જણાવ્યું હતું કે તમામ છાત્રો અને કર્મચારીઓ સુરક્ષિત છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. વાલીઓને અફવાઓ પર ધ્યાન ન આપવા અને તંત્રની સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી છે.
વડોદરાથી ડભોઈ જવાના માર્ગ ઉપર રાજલી ગામ પાસે પાણીનો ભરાવો થયો છે. જેના કારણે ડભોઈ પ્રાંત કચેરી દ્વારા પોલીસ અને માર્ગ મકાનને સૂચના આપી આ માર્ગ વાહનોની આવન જાવન માટે બંધ કરવામાં આવ્યો છે. અહીં રોડ ઉપરથી પાણી ફેરવી વળ્યાં હતા જેના કારણે વાહનોને કે વાહનચાલકોને કોઈ નુકસાન ન થાય તે માટેનો આ ત્વરિત નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર પાણીનો ભરાવો થયો છે જે આગામી 3-4 કલાકમાં ઉતારી જાય તેવી શકયતા છે.
જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલીયાએ મોડી રાતે દેવડેમની મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટરે દેવ ડેમની મુલાકાત લઈ ગેટ ઓપરેશનની વિગતો મેળવી હતી. ઉપરવાસમાં વરસાદ અને તેના કારણે વધતા પ્રવાહને લીધે કોઈ કપરી સ્થિતિ ના સર્જાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેક્ટરે નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવાની અપીલ કરી હતી અને અફવાઓથી દૂર રહેવા માટેની સલાહ આપી હતી. સવારે બે કલાકમાં ડભોઈ અને શિનોર તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે પાદરા, કરજણ અને વડોદરા તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો હતો.


