- ગતરોજ વડોદરા કોર્ટે પ્રિતેશ જાદવને ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની સજા અને 1.50 લાખ રૂપિયાના દંડનો હુકમ કરતા જેલમાં હતા
- બીજા દિવસે અચાનક તબિયત લથડતા તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું
વડોદરા સેન્ટ્રલ જેલમાં ચેક રિટર્ન કેસમાં સજા કાપી રહેલા 52 વર્ષીય પાકા કામના કેદી પ્રિતેશ કાંતિલાલ જાદવનું મોત નિપજતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ વડોદરા કોર્ટે તેને ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની સજા અને 1.50 લાખ રૂપિયાના દંડનો હુકમ કરતા તે જેલમાં હતો. જોકે, જેલમાં ગયાના બીજા જ દિવસે અચાનક તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
પત્નીએ કહ્યું કે, મારો માણસ ઠંડીથી જેલમાં મર્યો છે, તેને હાર્ટની બીમારી હતી. આ ઘટનાને પગલે મૃતક કેદીના પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે અને હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી શ્રીમ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા પતિના મોત અંગે મીનાક્ષીબેન જાદવે ચોધારા આંસુએ જણાવ્યું હતું કે, મારા પતિને ચેક રિટર્ન કેસમાં સજા થઈ હતી. તેઓને બે દિવસ જેલમાં રહેવું પડશે. ત્યારે તેઓની સ્થિતિ સારી ન હોવાનું તેઓએ અગાઉ જણાવ્યું હતું અને તેઓની માનસિક અને શારીરિક સ્થિતિ ખરાબ હતી. તેઓને અમારો મકાન માલિક નીરજ લાલચંદ ભાટિયા હેરાન કરતો હતો. અમે છેલ્લા પાંચ વર્ષથી રહેતા હતાં અને અમે ભાડું પણ આપતા હતા. તેઓ અમારા નામે લોન કરતા જ ન હતા.
વધુમાં કહ્યું કે, અમે કીધેલું હતું કે અમારા નામે લોન કરી દો પરંતુ તેઓ અમારા ઘરે પૈસા આપી જજો એટલે દર મહિને 22 હજાર રૂપિયા આપતા હતા. મકાન માલિક બહુજ પ્રેશર કરતો હતો. અમારે ચેક બાઉન્સ થયો હતો તેના માટે અમે કોર્ટમાં સમય માંગવાના હતા. ગઈકાલે તેઓને જેલમાં લઈ ગયા હતા. હું મળવા માગતી હતી પરંતુ તેઓને મળવા દીધા નહોતા. તેઓને હાર્ટનું ઓપરેશન કરાવવાનું હતું, પરંતુ અમારી કન્ડિશન ન હોવાથી અમે તેઓનું ઓપરેશન કરાવ્યું નહોતું.


