- નદીના કિનારા પર એક મગર પડ્યો હતો, વન વિભાગની ટીમે મૃત મગરને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરો પર કોઈ પ્રકારનુ જોખમ ઉભું થયું છે. એક તરફ મગરોને વિશ્વામિત્રી નદીમાંથી બહાર કાઢવાની વાતો થઈ રહી છે ત્યારે વિશ્વામિત્રી નદીમાંથી મહાકાય મગરનો મૃતદેહ મળી આવ્યો છે. આ રીતે મગરના થઈ રહેલા મોતના કારણે મગરોના અસ્તિત્વ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.
વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વમિત્રી નદીમાં છેલ્લા કેટલાક દિવસથી સતત મગરોના મોત થઈ રહ્યા છે. જેને કારણે મગરના અસ્તિત્વ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. વિશ્વામિત્રી નદીમાં અંદાજે 417 જેટલા મગરો છે. આ ઉપરાંત વડોદરા શહેર જિલ્લામાં નદીઓ અને તળાવોમાં મળીને 1000થી વધુ મગરો છે. વિશ્વામિત્રી નદીના મગરોના જીવ પર સંકટ તોળાઈ રહ્યું છે. જેથી, હવે વડોદરાવાસીઓ મગરોને બચાવવાની વાત કરી રહ્યા છે.

જીવદયા પ્રેમી હેમંતકુમાર વઢવાણાએ જણાવ્યું હતું કે, અમારા હેલ્પલાઇન નંબર ઉપર એક ફોન આવ્યો હતો કે, અકોટા બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં કિનારા ઉપર એક મગર પડ્યો છે. એવી જાણ કોઈ જાગૃત નાગરિકે બ્રિજ પરથી મગરને જોઈને અમને જાણ કરી હતી. અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જોયું કે નદીના કિનારા પર એક મગર પડ્યો હતો. તેની લંબાઈ આશરે સાડા ત્રણથી ચાર ફૂટ જેટલી છે. કમનસીબે, આ મગર મૃત અવસ્થામાં મળી આવ્યો છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મેં તરત જ વન વિભાગને જાણ કરી દીધી હતી. વન વિભાગની ટીમ પણ આવી પહોંચી હતી. અમે મૃત મગરને નદીમાંથી બહાર કાઢી લીધો હતો. મૃત્યુના કારણ અંગે અત્યારે તો કંઈ કહી શકાય તેમ નથી. મગરના મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ જાણવા મળશે. અમે મૃત મગરને આગળની કાર્યવાહી માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપરત કર્યો છે.


