- માંજલપુર પોલીસમાં નોંધાયેલા કેસમાં અરજદારને હેરાન ન કરવા અને જામીનની કાર્યવાહી ઝડપી કરવા 10 હજાર માંગનાર PSI મલ્લીકા પરમાર અને ASI જયકિશન ગામેતીને ACBએ ઝડપ્યા હતા
વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં અરજદારને હેરાન ન કરવા તેમજ તેની જામીન પ્રક્રિયા ઝડપથી પતાવવા માટે 10 હજારની લાંચ માંગવાના ચકચારી પ્રકરણમાં સસ્પેન્ડેડ PSI મલ્લીકાબેન પરમાર અને સસ્પેન્ડેડ ASI જયકિશન ગામેતીની મુશ્કેલી વધી છે. જેલવાસ ભોગવી રહેલા આ બંને પોલીસ કર્મીઓએ કરેલી નિયમિત જામીન અરજીની સુનાવણી બાદ વડોદરા કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અરજી ફગાવી દેવાનો મહત્વપૂર્ણ આદેશ કર્યો છે.
વિગતો મુજબ, અરજદાર વિરુદ્ધ માંજલપુર પોલીસ મથકે ગત 1 જૂન 2026ના રોજ એક ગુનો દાખલ થયો હતો, જેની તપાસ તત્કાલીન PSI મલ્લીકા પરમાર ચલાવી રહ્યા હતા. કેસની તપાસ દરમિયાન આરોપી અરજદારને પોલીસ દ્વારા વધુ હેરાનગતિ ન થાય અને કોર્ટમાંથી જામીન મેળવવાની કાગળિયા કાર્યવાહી ઝડપથી પૂર્ણ થઈ જાય તે માટે સમાધાન પેટે 10,000 ની લાંચની માંગણી કરવામાં આવી હતી.
અરજદાર લાંચની ગેરકાયદે રકમ આપવા બિલકુલ તૈયાર ન હોવાથી તેમણે તાત્કાલિક એન્ટી કરપ્શન બ્યુરો (ACB) નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આયોજન મુજબ 27 જૂનના રોજ માંજલપુર પોલીસ સ્ટેશન નજીક આવેલી ઝેરોક્ષની દુકાન સામે મુખ્ય માર્ગ પર ACBએ છટકું ગોઠવ્યું હતું. PSI મલ્લીકા પરમાર વતી લાંચ સ્વીકારવા આવેલા ASI જયકિશન ગામેતીએ સ્વિફ્ટ કારના ડેશબોર્ડ પર 10,000 મુકાવી લાંચ સ્વીકારતાં જ ટીમે બંનેને પકડી પાડ્યા હતા.
ACB દ્વારા ધરપકડ કરાયા બાદ ગૃહ વિભાગે બંને અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી જેલહવાલે કર્યા હતા. બંને આરોપીઓએ જેલમાંથી મુક્ત થવા માટે નિયમિત જામીન અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન સરકાર પક્ષે સરકારી વકીલ અનિલ દેસાઈએ ભ્રષ્ટાચારના આ કેસની ગંભીરતા, પદના દુરુપયોગ અને સમાજ પર તેની નકારાત્મક અસરો અંગે ધારદાર દલીલો રજૂ કરી હતી. તમામ દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે બંને સસ્પેન્ડેડ પોલીસ કર્મીઓની જામીન અરજી નામંજૂર કરી દીધી છે.


