- વોટ્સએપ ગ્રુપમાં જોડીને ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું, ઓનલાઇન ખાતામાં 10 કરોડથી વધુ બેલેન્સ દેખાડ્યું
ઓનલાઇન ઠગાઈના કેસોમાં ઇન્વેસ્ટમેન્ટના નામે સૌથી વધુ છેતરપિંડીના બનાવો બનતા હોવા છતાં ઠગો આસાનીથી ફાવી રહ્યા છે. વડોદરાના વધુ એક ઇન્વેસ્ટરે આવી રીતે રૂ.70 લાખ ગુમાવી દીધા છે.
ગોત્રી વિસ્તારના તીર્થ ડુપ્લેક્સમાં રહેતા અને ખાનગી કંપનીમાંથી નિવૃત્ત થયેલા નંદકિશોર અગ્રવાલે પોલીસને કહ્યું છે કે ગઈ તા.14મી જુલાઈએ મને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. જેમાં રોકાણને લગતી ટિપ્સ આપવામાં આવતી હતી. ત્યારબાદ ત્રણ દિવસમાં મને વીઆઈપી ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો જેમાં મારે રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. ત્યાર પછી પણ મને અન્ય એક ગ્રુપમાં જોઈન્ટ કરવામાં આવ્યો હતો અને ઇન્વેસ્ટમેન્ટ માટે લોભામણી સ્કીમ બતાવવામાં આવતી હતી. મેં 10000નું રોકાણ કર્યું હતું અને પછી શંકા જતા રકમને ફરી ઉપાડી લીધી હતી.
ઇન્વેસ્ટમેન્ટ કરાવનાર ઠગોએ મને સેબીના ડોક્યુમેન્ટ્સ બતાવ્યા હતા જેથી મને વિશ્વાસ બેસતા તબક્કાવાર કુલ રૂ.76 લાખનું રોકાણ કર્યું હતું. જેની સામે મને 6 લાખ રૂપિયા પરત મળ્યા હતા. મારી રોકાણ કરેલી રકમની સામે મારા ઓનલાઈન એકાઉન્ટમાં 10 કરોડથી વધુ બેલેન્સ દેખાતું હતું. પરંતુ આ રકમ ઉપાડી શકાતી ન હતી. જેથી શંકા જતા સાયબર સેલને જાણ કરી હતી.


