- પતિએ ગળું પકડી માર માર્યાનો આક્ષેપ, સામા પક્ષે પણ ચાર સામે હુમલાની ફરિયાદ નોંધાવી
સાવલી તાલુકાના વાંકાનેર ગામે લગ્નના માત્ર ત્રણ માસમાં જ પિયરમાં જતી રહેલી પરિણીતાને પરત સાસરીમાં લઇ જવા સમાધાન માટે એકત્ર થયેલા બે પરિવાર વચ્ચે હિંસક અથડામણ થતા અડધો ડઝન વ્યક્તિને ઇજા થઇ હતી.
વાંકાનેર ગામમાં રણાવાસમાં રહેતી મુસ્કાન મહંમદ રણાએ ગામમાં જ રહેતા પતિ અજરુદ્દીન યુસુફ રણા, યુસુફખુમાનસિંગ રણા, ખુમાનસિંગ માવસિંગ રણા, દિલીપ ભીમસિંગ રણા સામે ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન અઝરુદ્દીન સાથે ૭ મહિના પહેલા થયા છે. પતિ સાથે અણબનાવ થતા ચાર માસથી પિયરમાં રહું છું. તા.૬ની રાત્રે હું તેમજ પરિવારના સભ્યો ઘરમાં બેઠા હતા ત્યારે પતિ તેમજ સાસરિયાઓ મારા ઘેર આવ્યા હતા અને મારા પિતાને જણાવેલ કે ઝઘડા માટે સમાધાનની આપણે વાત કરીએ.
મારા પિતાએ જમાઇએ પુત્રીના ખોટી રીતે સોશિયલ મીડિયામાં ફોટો મૂક્યા હતા જેથી મારે તેમની સાથે મોકલવી નથી તેમ કહેતા સાસરિયાઓ ઉશ્કેરાઇને અપશબ્દો બોલવા લાગ્યા હતાં પરંતુ સમાધાન માટે ભેગા થયા હોવાની વાત મેં કરતા તેઓ શાંત થયા હતા અને મારા પતિએ જણાવેલ કે મારાથી ભૂલ થઇ છે હું કબૂલ કરું છું. આ વખતે મેં માફી માંગતો વીડિયો સોશિયલ મીડિયામાં મૂકો તેમ કહેતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને મારુ ગળું પકડી માર મારવા લાગ્યો હતો. આ વખતે તેની સાથે આવેલા સાસરિયાઓએ પણ હુમલો કરતા મને તેમજ કાકા સંજય ઉર્ફે લાલા અનવર રણા, ફોઇના દીકરા રણજીત ઉર્ફે રંજીત હુસેન રાઉલ અને અન્ય કાકા અસરફને ઇજા થઇ હતી.
સામા પક્ષે ખુમાનસિંહ માવસિંહ રણાએ સંજય ઉર્ફે લાલો અનવર રણા, અશરફ મહંમદ રણા, અનવર ભીમસિંહ રણા અને રંગીત હુસેનભાઇ રાઉલ સામે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમો સમાધાન માટે ગયા હતા ત્યારે મુસ્કાનના પિતાએ જણાવેલ કે જમાઇએ પુત્રીને ખોટી રીતે વહેમ રાખી કાઢી મૂકી છે જેથી મારે તેમની સાથે સમાધાન કરવું નથી. આ વખતે અજરુદ્દીને જણાવેલ કે મારે અને મુસ્કાન વચ્ચે કોઇ અણબનાવ નથી તેમ કહેતા ઉપરોક્ત શખ્સોએ માર મારતા અજરુદ્દીન, યુસુફ તેમજ રશીદાને ઇજા થઇ હતી. બાદમાં ચારેય શખ્સો લાકડીઓ લઇને ઘેર આવી ધમકીઓ આપી હતી.


