- પોલીસે સ્થળ પર પંચનામું કરી પંડાલનો માલ-સામાન જપ્ત કર્યો
વડોદરા શહેરના સંવેદનશીલ ગણાતા જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન નજીક જાહેર રોડ પર પરવાનગી વગર ચકડોળ બેસાડવા માટે પંડાલ (મંડપ) બાંધી રાહદારીઓ અને વાહનવ્યવહારને અડચણરૂપ ઊભી કરનારા સામે ફરીયાદ નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર, સોમવારે સાંજે પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન સાંજના આશરે 7.30 વાગ્યાના સુમારે જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન પાસે જાહેર રસ્તા પર કેટલાક ઇસમો લાકડાના પાટ અને પતરાં લગાડી પંડાલ બાંધી રહ્યા હતા. પોલીસ ટીમે સ્થળ પર જઈ તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે ચકડોળ બેસાડવાની તૈયારીઓ ચાલી રહી હતી.
પોલીસે સ્થળ પર હાજર ચારેય શખસો પાસે પંડાલ બાંધવા અંગેની યોગ્ય પોલીસ મંજૂરી અથવા જરૂરી આધાર-પુરાવા માંગતા તેઓ પાસે કોઈ જ પરવાનગી ન હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તાત્કાલિક સ્થળ પર પંચનામું કરી પંડાલનો માલસામાન જપ્ત કર્યો હતો. પોલીસે પ્રેમ દિનેશભાઈ કહાર (ઉં.વ.22), જીગર દિનેશભાઈ કહાર (ઉં.વ.26), સન્ની પુનમભાઈ કહાર (ઉં.વ.26) અને હર્ષ રાજેશભાઈ કહાર (ઉં.વ.22) સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


