- વિઝા કન્સલ્ટન્ટે વિઝા, નોકરી, રહેઠાણ, જમવા તથા મેડિકલ ઇન્શ્યોરન્સની ખાતરી આપી હતી, પરંતુ 3 વર્ષ વીતી જવા છતાં વિઝા આપ્યા નથી અને પૈસા પરત ન કરતા ફરિયાદ
વડોદરાના કારેલીબાગ વિસ્તારના વેપારી સત્યેન અનિલભાઇ ઢોમસે અને તેમની પત્ની શ્રદ્ધાબેન ઢોમસેએ આયર્લેન્ડના વર્ક વિઝા મેળવવા માટે લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીને 2 લાખ રૂપિયા આપ્યા હતા. વિઝા કન્સલ્ટન્ટે વિઝા, નોકરી, રહેઠાણ, જમવા તથા મેડિકલ ઇન્શ્યોરન્સની ખાતરી આપી હતી, પરંતુ 3 વર્ષ વીતી જવા છતાં વિઝા આપ્યા નથી અને પૈસા પણ પરત કર્યાં નથી. આ મામલે વેપારીએ 2 શખ્સ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
વર્ષ 2021માં સોશિયલ મીડિયા પર જોવા મળેલી જાહેરખબરના આધારે દંપતીએ તા. 2 સપ્ટેમ્બર, 2021ના રોજ માંજલપુર સ્થિત દીપ ચેમ્બર્સ ખાતે આવેલી લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની ઓફિસમાં મુલાકાત લીધી હતી. જેથી રિસેપ્શનિસ્ટ માનસી પંચાલે તેમને આશિષ ગવલી પાસે મોકલ્યા હતા. આશિષ ગવલીએ આયર્લેન્ડ વર્ક પરમિટ વીઝા માટેની પ્રક્રિયા સમજાવી હતી અને બે વ્યક્તિ માટે કુલ 4 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. પ્રથમ હપ્તા તરીકે 2 લાખ રૂપિયા જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું.
બીજી મુલાકાતમાં આશિષ ગવલીએ દંપતીની ડિરેક્ટર કૃણાલ નિકમ સાથે મુલાકાત કરાવી હતી. કૃણાલ નિકમ અને આશિષ ગવલીએ નોકરી, રહેઠાણ તથા જમવાની વ્યવસ્થા કંપની તરફથી કરી આપવાની ખાતરી આપી હતી. તા. 6 સપ્ટેમ્બર, 2021ના રોજ 2 લાખ રૂપિયા રોકડા જમા કરાવ્યા બાદ 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરાર કરવામાં આવ્યો હતો, જેમાં કૃણાલ નિકમની સહી હતી. કરારમાં વીઝા 6 મહિનામાં ન મળે તો પૈસા પરત કરવાની તથા કંપની તરફથી રહેઠાણ, જમવું તથા મેડિકલ ઇન્શ્યોરન્સની જોગવાઈ હતી. ઓરિજિનલ સ્ટેમ્પ પેપર ફરિયાદીને આપવામાં આવ્યું હતું.
ફેબ્રુઆરી 2022માં કૃણાલ નિકમે મોબાઇલ કોન્ફરન્સ દ્વારા અંગ્રેજી બોલતા એન્ડ્રુ ગાલ્વિન સાથે ઇન્ટરવ્યૂ કરાવ્યો હતો. ઇન્ટરવ્યૂમાં દંપતીને પસંદગી થયાનું જણાવાયું હતું. ત્યારબાદ તા. 19 જુલાઈ, 2023ના રોજ કૃણાલ નિકમ ફરિયાદીના ઘરે આવીને બે અલગ જોબ ઓફર લેટર આપી ગયા હતા. આ લેટરમાં એમેઝોન કંપનીના વેરહાઉસમાં આસિસ્ટન્ટ તરીકેની નોકરી તથા 'હમ્બલ-હન્ટર્સ' નામની રિક્રુટમેન્ટ એજન્સી મારફતે કન્ફર્મેશનનો ઉલ્લેખ હતો.
આ પછી વિઝા અંગે વેપારીએ પુછતાં વારંવાર વાયદા કરવામાં આવ્યા હતા, પરંતુ આજદિન સુધી દંપતિને વિઝા આપવામાં આવ્યા નથી અને 2 લાખ રૂપિયા પણ પરત કરવામાં આવ્યા નથી. જેથી વેપારીએ કૃણાલ નિકમ તથા આશિષ ગવલી પર છેતરપિંડીની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જેના આધારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.


