વડોદરામાં વેપારીને દીકરાનું અપહરણ કરી પરિવારને મારી નાખવાની ધમકી આપતા શખસ સામે ફરિયાદ!!

નવદુર્ગા સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત લવજીભાઈ માંડણકાએ ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Complaint-filed-against-man-who-kidnapped-businessmans-son-in-Vadodara-and-threatened-to-kill-his-family

- નિઝામપુરામાં વેપારીની ઓફિસ પર આવીને એક શખસે બુમાબુમ કરી ધમકી આપી હતી, 18 લાખની છેતરપિંડી કરવાના આક્ષેપ કરી ગંદી ગાળો પણ આપી હતી

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા વેપારીની ઓફિસ પર આવીને એક શખસે બુમાબુમ કરી તથા ફોન પર જાનથી મારી નાખવાની અને દીકરાનું અપહરણ કરવાની ધમકી આપી હતી. જેથી મામલો ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં નવદુર્ગા સોસાયટીમાં રહેતા ચંદ્રકાંતભાઈ લવજીભાઈ માંડણકા (ઉ.વ.51) કોન્ટ્રાક્શન તથા વેપારનો વ્યવસાય કરે છે. તેઓએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, નિઝામપુરા સ્થિત સીવન એવન્યુ કોમ્પલેક્ષમાં તેમની 4 ઓફિસ છે, જેમાંથી એક ઓફિસ નંબર 206 યોગીનીબેન રાવળને ભાડે આપેલી છે.

તા.12 માર્ચના રોજ બપોરે દોઢ વાગ્યે ચંદ્રકાંતભાઈ મધુનગર બ્રિજ નજીક હતા. ત્યારે ભાડુઆત યોગીનીબેન રાવળનો તેમના મોબાઇલ પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, અલ્તાફભાઈ ઉર્ફે સમીર મહેમુદભાઈ અજમેરી ઓફિસ નંબર 206 પાસે આવી જોરજોરથી બુમાબુમ કરી રહ્યા છે, ત્યારબાદ યોગીનીબેને ફોન સ્પીકર પર મૂકી ચંદ્રકાંતભાઈને સંભળાવતા અલ્તાફભાઈએ ચંદ્રકાંતભાઈ પર રૂપિયા 18 લાખની છેતરપિંડી કરવાનો આક્ષેપ કરી ગંદી ગાળો આપી હતી.

ત્યારબાદ અલ્તાફભાઈએ ફોન પર ધમકી આપતાં કહ્યું હતું કે તેઓ ચંદ્રકાંતભાઈના દીકરાનું અપહરણ કરી લેશે તેમજ તેમના ઘરે જઈ પરિવારને જાનથી મારી નાખશે. ચંદ્રકાંતભાઈએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, આ અગાઉ પણ અલ્તાફભાઈ દ્વારા તેમને અનેક વખત ધમકીઓ આપવામાં આવી ચૂકી છે. આ ઘટનાથી ડરી ગયેલા ચંદ્રકાંતભાઈએ અલ્તાફભાઈ ઉર્ફે સમીર મહેમુદભાઈ અજમેરી વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Share :

Leave a Comments