કલેક્ટર કચેરીમાં આજે મળેલી જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત થતાં પ્રશ્નોનું ચોક્કસ સમય મર્યાદામાં નિરાકરણ લાવવા માટે કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે.

આ બેઠકમાં સાંસદ ડો. હેમાંગભાઇ જોશી, ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ મહેતા, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શ્રી કેયુરભાઇ રોકડિયા, ચેરમેન શ્રી મથુરભાઇએ નેશનલ હાઇવે, પાણી, કેનાલ, સ્ટ્રીલ લાઇટ, ટ્રાફિક, દબાણ, આરોગ્ય, વીજળી સહિતના વિષયો ઉપર પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા. લોકોમાં, ખાસ કરીને યુવાનોમાં વ્યસન મુક્તિનો સંદેશ સારી રીતે પ્રસરે એ માટે વડોદરા શહેર પોલીસ દ્વારા યોજવામાં આવેલા સંકલ્પ કાર્યક્રમ જેવો જ કાર્યક્રમ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ યોજવા આ બેઠકમાં લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

કલેક્ટરએ જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા ઉપસ્થિત થતાં પ્રશ્નો પરત્વે પૂરતું લક્ષ્ય આપી નિરાકરણ લાવવા માટે અધિકારીઓને સૂચના આપવા ઉપરાંત પ્રશ્નોનું સમયાંતરે ફોલોઅપ કરવા માટે પણ તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી બી. એસ. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


