- કારમાં પાછળ બેઠેલા બે લોકોને સામાન્ય ઈજા પહોંચવાની સાથે આબાદ બચાવ, કાર ઊંધી પાણીમાં પડતાં ચાલક અને બાજુમાં બેસેલી વ્યક્તિ બહાર ન નીકળી શકતાં જીવ ગુમાવ્યો
- ચારેય વ્યક્તિ એક જ પરિવારના સભ્ય હતા, બનાવને પગલે ફાયર વિભાગ, પોલીસ સાથે મોટી સંખ્યામાં લોકો દોડી ગયા, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કરજણ સરકારી દવાખાને મોકલાયા

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નારેશ્વરથી કુરાલી જતા રસ્તા પર દેરોલી ગામ નજીક નર્મદા કેનાલના વળાંક પાસે ગઈકાલે રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ફોર-વ્હીલ ગાડી નર્મદા કેનાલમાં ખાબકી હતી, જેમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે, જ્યારે કારમાં પાછળ બેઠેલા બે લોકોનો સામાન્ય ઈજા પહોંચવાની સાથે આબાદ બચાવ થયો હતો. કાર ઊંધી પાણીમાં પડતાં ચાલક અને તેની બાજુમાં બેસેલી વ્યક્તિ બહાર ન નીકળી શકતાં જીવ ગુમાવ્યો હતો.

દિવાળીપુરા ગામના રહેવાસી નરેશભાઈ બાબરભાઈ પાટણવાડિયા (ઉં.વ. 43, ધંધો ખેતી)એ જણાવ્યું હતું કે તેઓ તેમના ભાઈ ભરતભાઈ મંગળભાઈ પાટણવાડિયા, ભત્રીજા હિતેશભાઈ ઠાકોરભાઈ પાટણવાડિયા અને મોટા ભાઈ અરવિંદભાઈ ભયલાલભાઈ પાટણવાડિયા સાથે ગઈકાલે (તા.19 જુલાઈ) બાદ દિવાળીપુરાથી કરજણ તાલુકાના સાયર ગામે તેમની દીકરી ખુશ્બૂબેનને મળવા અને મહેમાનગતિ માટે ગયા હતા. ખુશ્બૂબેનના લગ્ન સાયર ગામના વિશાલભાઈ ભયલાલભાઈ પાટણવાડિયા સાથે થયેલા છે.

ગતરાત્રે આશરે 9 વાગ્યે ચારેય વ્યક્તિઓ સાયર ગામથી દિવાળીપુરા પરત ફરવા નીકળ્યા હતા. ગાડી હિતેશભાઈ ઠાકોરભાઈ પાટણવાડિયા ચલાવતા હતા, જેમની બાજુની સીટ પર અરવિંદભાઈ ભયલાલભાઈ પાટણવાડિયા બેઠા હતા, જ્યારે પાછળની સીટ પર નરેશભાઈ અને ભરતભાઈ બેઠા હતા. નારેશ્વરથી કુરાલી વચ્ચે દેરોલી ગામ નજીક નર્મદા કેનાલના વળાંક પાસે ગાડીના ચાલક હિતેશભાઈએ ઝડપથી અને બેદરકારીથી ગાડી હંકારતાં સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ કારણે ગાડી કેનાલની પાળી તોડીને પાણીમાં ખાબકી હતી અને ઊંધી થઈ ગઈ હતી. ગાડીનો આગળનો ભાગ પાણીમાં ડૂબી ગયો, જ્યારે પાછળનો ભાગ ઉપર રહ્યો હતો. ગાડીનો પાછળનો કાચ તૂટી જતાં નરેશભાઈ એમાંથી બહાર નીકળી ગયા હતા.

નરેશભાઈએ તેમના વેવાઈ ભયલાલભાઈ વજેસંગભાઈ પાટણવાડિયાને ફોન કરી અકસ્માતની જાણ કરી હતી. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોની મદદથી ભરતભાઈને ગાડીનો પાછળનો દરવાજો ખોલી બહાર કાઢવામાં આવ્યા હતા. ભરતભાઈને ડાબી આંખ અને છાતીના ભાગે ઈજા થઈ હતી અને તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા કરજણ સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા, જ્યાં તેમની સારવાર ચાલુ છે.
ગાડીનો આગળનો ભાગ પાણીમાં ડૂબેલો હોવાથી કારચાલક હિતેશભાઈ ઠાકોરભાઈ પાટણવાડિયા અને બાજુમાં બેસેલા અરવિંદભાઈ ભયલાલભાઈ પાટણવાડિયા બેભાન હાલતમાં હતા. ઘણી જહેમત બાદ તેમને બહાર કાઢવામાં આવ્યા, પરંતુ કરજણ સરકારી હોસ્પિટલના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કરજણ સરકારી દવાખાને મોકલવામાં આવ્યા છે.
આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અકસ્માતનું કારણ ઝડપી અને બેદરકાર ડ્રાઈવિંગ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાને લઇ આસપાસના ગામના લોકો પણ દોડી આવ્યા હતા અને કામગીરીમાં મદદ કરી હતી. ત્યારે હાલમાં કરજણ પોલીસે મૃતકોના પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.


