સુરતથી ભાવનગર દર્શન કરવા જઈ રહેલા યુવકોની કારની આઈસર સાથે ટક્કર, ત્રણના મોત; બે ને ઇજા

જામ્બુવા બ્રિજ પાસે નેશનલ હાઈ-વે 48 પર ગત મોડી રાત્રે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો

MailVadodara.com - Car-of-youths-going-to-Bhavnagar-from-Surat-collides-with-ice-three-killed-two-injured

- કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આઈસર ટ્રક સાથે અથડાઈ, પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું

વડોદરાના જામ્બુવા બ્રિજ પાસે નેશનલ હાઈ-વે 48 પર ગત મોડી રાત્રે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સુરતથી ભાવનગર દર્શન કરવા જઈ રહેલા પાંચ મિત્રોની કાર સામેથી આવતા આઈસર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ત્રણ આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે બે મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.


મળતી વિગતો મુજબ, સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પાંચ મિત્રો પોતાની કારમાં ભાવનગર જિલ્લાના ભગુડા ગામે આવેલા મોગલ ધામના પાટોત્સવમાં દર્શન કરવા માટે નીકળ્યા હતા. નેશનલ હાઈવે-48 પર જામ્બુવા બ્રિજ ઉતરતી વખતે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેથી કાર ડિવાઈડર કૂદીને સામેની લેનમાં જઈને સામેથી આવતા આઈસર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ ગોઝારા અકસ્માતમાં ગોપાલભાઈ કોહાભાઈ કામળિયા (ઉંમર 23), યોગેશ કિશોરભાઈ ચાવડા (ઉંમર 24) અને આશિષભાઈ પરમાર (ઉંમર 28) ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે મિત્રો હમીરભાઈ ભુરાભાઈ ભુવા અને દિલીપભાઈ જેઠવાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા જ રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. કપુરાઈ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકોના પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપ્યા છે. હાલ પોલીસે ટ્રક ચાલક અને અકસ્માતના કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Share :

Leave a Comments