વડોદરા સેન્ટ્રલ બસ ડેપોમાં ધરાશાયી થયેલા સ્ટ્રક્ચરની ઘટનાના CCTV ફૂજેટ સામે આવ્યા

વડોદરા સેન્ટ્રલ બસ ડેપોમાં સર્જાયેલી ગંભીર દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

MailVadodara.com - CCTV-footage-of-the-structure-collapse-incident-at-Vadodara-Central-Bus-Depot-has-surfaced

- 114 કરોડના વડોદરા બસ સ્ટેશન દુર્ઘટનાના હચમચાવતા દૃશ્યો

- અંદાજે 40 ફૂટ ઊંચાઈએથી પીઓપી (POP) અને લોખંડનું વિશાળ સ્ટ્રક્ચર ધરાશાયી થતાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારના રહીશ નરસિંહભાઇ દવેનું કરુણ મોત નીપજ્યું હતું

વડોદરા સેન્ટ્રલ બસ ડેપોમાં સર્જાયેલી ગંભીર દુર્ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે, જે વહીવટી તંત્રની ઘોર બેદરકારીની સાક્ષી પૂરે છે. અંદાજે 40 ફૂટ ઊંચાઈએથી પીઓપી (POP) અને લોખંડનું વિશાળ સ્ટ્રક્ચર ધરાશાયી થતાં અમદાવાદના એક વૃદ્ધ મુસાફરનું કરુણ મોત નીપજ્યું છે.


CCTV ફૂટેજમાં જોવા મળે છે કે, 72 વર્ષીય વૃદ્ધ મુસાફર ડેપોની બહાર નીકળી રહ્યા હતા. આ દરમિયાન ઉપરથી કાટમાળ પડતો જોઈ સિક્યોરિટી ગાર્ડે બૂમ પાડીને તેમને રોક્યા હતા. વૃદ્ધ ગભરાઈને ક્ષણભર ઊભા રહી ગયા અને જેવા પાછા ફરવા ગયા કે તુરંત જ 40 ફૂટ ઊંચેથી વિશાળ સ્ટ્રક્ચર તેમના પર પડ્યું હતું. સ્ટ્રક્ચર નીચે દબાઈ જવાથી તેમના માથા, મોં અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું સ્થળ પર જ મોત થયું હતું.


બસ ટર્મિનલ પર બનેલી આ કરુણ દુર્ઘટનામાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારના રહીશ નરસિંહભાઈ ગોવિંદભાઈ દવે (ઉં.વ. 72) નું કરુણ મોત નીપજ્યું છે. અંદાજે 60 ફૂટ લાંબુ અને 20 ફૂટ પહોળું વિશાળ સ્ટ્રક્ચર 40 ફૂટની ઊંચાઈએથી ધરાશાયી થતાં આ જાનહાનિ થઈ હતી. નોંધનીય છે કે, અંદાજે રૂ. 114 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ અત્યાધુનિક બસ ડેપોનું લોકાર્પણ વર્ષ 2014માં કરવામાં આવ્યું હતું તેમછતાં માત્ર 12 વર્ષના ટૂંકા ગાળામાં આવી ગંભીર દુર્ઘટના સર્જાતા બાંધકામની ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા થયા છે.


આ દુર્ઘટનામાં તંત્રની ઘોર બેદરકારી પણ સપાટી પર આવી છે, કારણ કે ડેપો સંચાલકોએ સ્વીકાર્યું છે કે તેમની પાસે આ બિલ્ડિંગનું અનિવાર્ય ગણાતું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ ઉપલબ્ધ નહોતું. આ મામલે સત્ય બહાર લાવવા માટે GSRTC દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. વધુમાં, બાંધકામમાં વપરાયેલા મટિરિયલની ગુણવત્તા ચકાસવા માટે R&B વિભાગ, ગેરી અને એફએસએલ (FSL) દ્વારા ઘટનાસ્થળેથી નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હાલમાં સયાજીગંજ પોલીસે આ અંગે ગુનો નોંધીને જવાબદારો વિરુદ્ધ કાયદેસરની તપાસ શરૂ કરી છે.

મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે જ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) ધોરણે બનેલા આલીશાન બસ સ્ટેન્ડમાં આવી દુર્ઘટના ઘટતા લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં સુરક્ષાના કારણોસર અસરગ્રસ્ત વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને બસોની અવરજવર માટે વૈકલ્પિક રસ્તાઓ ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

Share :

Leave a Comments