- નેચરલ ડેથ થયું હોવાનું પ્રાથમિક તારણ, પીએમ બાદ જ મગરના મોતનું કારણ સામે આવશે

વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટા પ્રમાણમાં મગરોનો વસવાટ જોવા મળતો હોય છે. ત્યારે આ વર્ષે ચાર જેટલા મગરોના મોત નીપજ્યા છે. આજે વધુ એક 11 ફૂટના માદા મગરનું મોત થતા વન વિભાગે રેસ્ક્યૂ કરી બાદમાં પોસ્ટમોર્ટમ અંગે ખસેડવામાં આવ્યો છે. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખબર પડશે.



શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ગોવિંદનગર કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલ વિશ્વમંદિરના કાંઠે વિશ્વામિત્રી નદીમાંથી 11 ફૂટની ફિમેલ મગરનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું છે. વન વિભાગની ટીમ અને સ્થાનિકો દ્વારા મગરનું રેસ્ક્યૂ કરી બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.


આ અંગે વન વિભાગના RFO કરણરાજસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, શહેરના ગોવિંદનગરની બાજુમાં વિશ્વામિત્રી બ્રિજ કેન્યા કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે તે વિસ્તારમાંથી પસાર થતી નદીમાંથી એક 10થી 11 ફૂટના માદા મગરનો મૃતદેહ મળી આવ્યો છે. જાણ થતા જ અમારી ટીમ ત્યાં પહોંચી હતી અને તેને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પ્રાથમિક તેનું મૃત્યુ નેચરલ થયું હોય તેવું જણાઈ રહ્યું છે પરંતુ પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.


