- ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસમાં યજુર્વેદના મંત્રો સાથે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે છે અને 10 દિવસ સુધી ષોડશોપચાર અને પંચોપચાર પૂજા સાથે ભગવાનની સેવા થાય છે
- 10 દિવસ શહેરીજનો લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશજીના દર્શન કરી શકશે

આજે (27 ઓગસ્ટ) ગણેશ ચતુર્થીના પાવન પર્વે સમગ્ર દેશમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ ખાસ અવસરે વડોદરાના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ભગવાન ગણેશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વર્ષ 1939થી ચાલી આવતી રાજવી પરંપરા મુજબ રાજવી પરિવાર દ્વારા શણગારેલા દરબાર હોલમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે.
લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશજીની વિશેષ મૂર્તિની સ્થાપના 86 વર્ષથી એકસમાન રીતે થાય છે. 36 ઇંચ ઊંચી અને 90 કિલો વજનની આ મૂર્તિ ચૌહાણ પરિવાર દ્વારા ખાસ ભાવનગરની માટીમાંથી તૈયાર કરવામાં આવે છે. મૂર્તિ બનાવવામાં એક મહિનાથી વધુનો સમય લાગે છે. આ મૂર્તિને હીરા-મોતી જડિત આભૂષણોથી શણગારી, પાલખીમાં વાજતે-ગાજતે લાવવામાં આવે છે અને શાહી પૂજા સાથે સ્થાપના કરવામાં આવે છે.

મૂર્તિકાર લાલસિંહ ચૌહાણે જણાવ્યું કે, તેમના પિતાએ 1926માં ગણેશજીની મૂર્તિ બનાવવાનું શરૂ કર્યું હતું. 1939માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રથમ ઓર્ડર આપ્યો, અને ત્યારથી આ પરંપરા અવિરત ચાલુ છે. આજે તેમની ત્રીજી પેઢી આ મૂર્તિ બનાવે છે, જે દર વર્ષે એકસમાન રંગ, સાઈઝ અને વજનમાં તૈયાર થાય છે.

મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા 1890માં બનાવવામાં આવેલો લક્ષ્મી વિલાસ પેલેસ બ્રિટનના બકિંગહામ પેલેસ કરતાં ચાર ગણો મોટો છે. આ પેલેસ પોતાની અનોખી પેઇન્ટિંગ્સ, ઝુમર અને કલાકૃતિઓ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.


ઋષિકેશ ભાલચંદ્ર ગોડસેના જણાવ્યા અનુસાર, આ રાજવી ગણેશોત્સવનું મહત્વ અનન્ય છે. યજુર્વેદના મંત્રો સાથે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે છે અને 10 દિવસ સુધી ષોડશોપચાર અને પંચોપચાર પૂજા સાથે ભગવાનની સેવા થાય છે. આ પરંપરા દર વર્ષે એક જ મૂર્તિ સાથે ચાલુ રહે છે, જે રાજવી પરિવારની શ્રદ્ધા અને સંસ્કૃતિનું પ્રતીક છે.
આ ગણેશોત્સવે વડોદરાના રાજવી વૈભવ અને સાંસ્કૃતિક પરંપરાને ફરી એકવાર ઉજાગર કર્યો છે, જે ભક્તો અને શહેરવાસીઓ માટે ગૌરવની વાત છે. આજથી દસ દિવસ શહેરીજનો પણ લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશજીના દર્શન કરી શકશે.


