આગામી ગણેશોત્સવને હજુ 3 મહિના ઉપરાંતનો સમય બાકી છે, ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આજે સિંહાસન સાથે 9 ફૂટ ઉંચાઇથી વધારે ગણપતિની માટીની મૂર્તિ અને સિંહાસન સાથે 5 ફૂટથી વધારે ઊંચી POP અને ફાઇબરની મૂર્તિ બનાવવા, વેચવા અને સ્થાપન કરવા ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
ગણપતિ ઉત્સવને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે બહાર પાડેલા જાહેરનામા જણાવ્યું છે કે, વડોદરા શહેરમાં દર વર્ષે ગણેશ મહોત્સવનો તહેવાર ખૂબ ઉત્સાહ અને ધામધુમપૂર્વક મનાવવામાં આવે છે. વડોદરા શહેરમાં આ વર્ષે ગણેશ મહોત્સવ નિમિત્તે તા.27/08/2025ના રોજ ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થનાર છે, જ્યારે શ્રીગણેશજીની પ્રતિમાઓનું વિર્સજન, સરઘસ અને શોભાયાત્રા સાથે તા.06/09/2025ના રોજ નીકળનાર છે.
સ્થાપના થયા તારીખથી વિર્સજનની તારીખના દિવસો દરમિયાન ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. આ મહોત્સવ અગાઉ મૂર્તિકારો દ્વારા બનાવવામાં આવતી મૂર્તિઓના કદ બાબતે ઊંચાઇનું યોગ્ય અને નિયત ધોરણ જાળવી રાખવામાં આવે જેથી વિસર્જન પ્રક્રિયા સરળતાથી થાય અને વિસર્જન શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક સરળતાથી ચાલુ રહે અને કાયદો-વ્યવસ્થાનાં પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેમજ મૂર્તિ બનાવવાના સ્થળે ગંદકી કરવાના કારણે રોગચાળો ફેલાવાની શકયતા રહે છે તેમજ મૂર્તિની બનાવટમાં બીજા ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાની રાખવામાં ના આવે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.
આ ઉપરાંત મૂર્તિ બનાવવા માટે કેમિકલયુક્ત રંગોના ઉપયોગ થતો હોય આવી મૂર્તિઓને નદી તથા તળાવના પાણીમાં વિસર્જન કરવાથી પાણીમાં રહેતાં પાણીજન્ય જીવો, માછલી તેમજ મનુષ્યને પણ નુકશાન થાય છે. જેથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદૂષણને અટકાવવા કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલા ગાઇડલાઇન મુજબ તેમજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વખતો-વખતના ઠરાવો અને નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા મૂર્તિઓના વિસર્જન અંગે આપવામાં આવેલ ગાઇડ લાઇનને ધ્યાને રાખવી જરૂરી છે.
પ્રતિબંધિત કૃત્યો
શ્રી ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની 9 ફુટ કરતા વધારે ઉચાઇની બનાવવા, વેચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા ઉપર. (તમામ માટી તથા પી.ઓ.પી.ની મૂર્તિઓનું વિર્સજન કૃત્રિમ તળાવમાં કરવાનું રહેશે)
શ્રી ગણેશજીની પી.ઓ.પી.ની મૂર્તિઓ અને ફાયબરની મૂર્તિ બેઠક સહિતની 5 (પાંચ) ફુટથી વધારે ઉચાઇની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ ઉપર પરીવહન કરવા અને નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર (માટી તથા પી.ઓ.પી.ની મૂર્તિ ઓનું VMC દ્વારા કૃત્રિમ રીતે બનાવેલ તળાવમાં વિસર્જન કરવાનું રહેશે.)
ઓવારા વાઇઝ જ્યાં કૃત્રિમ તળાવ બનાવેલ હોય તેવા ઇસ્યુ કરેલા પાસ સિવાયના અન્ય ઓવારા ઉપર આયોજકોને મૂર્તિઓનું વિસર્જન કરવા ઉપર
મૂર્તિકારો જે જગ્યા એ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાઓની આજુબાજુ તથા નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ટ્રાફીકને અડચણ થાય તે રીતે ખુલ્લી રાખવા ઉપર.
શ્રી ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણ ન થયેલી તથા બનાવટ દરમ્યાન ખંડીત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર.
કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાની વાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, વેચવા અને સ્થાપના કરવા ઉપર.
ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો એક દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવા ઉપર
ફાયબરની મૂતિ વિસર્જનના દિવસે તથા ત્યારબાદ સરઘસના રૂપે બહાર કાઢવા ઉપર
પરમીટમાં દર્શાવલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર વિસર્જન કરવા ઉપર
મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર.
વડોદરા શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં 20/05/2025થી 18/07/2025 સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 મુજબ શિક્ષાને પાત્ર થશે.


