- પોલીસની હાજરીમાં રોડની બંને બાજુથી ફેંકવામાં આવ્યા છે, કંઈક દાખલો બેસાડે તો સારું... બાકી તો આમ જ ચાલવાનું છે : VHP
- વડોદરા સિટી પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર ગઇકાલે તા.25 ઓગસ્ટની રાતે 3 વાગ્યે અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ શહેરના શાંતિપ્રિય વાતાવરણમાં ખળભળાટ મચાવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ જણાવ્યું કે, પોલીસની હાજરીમાં ઇંડા ફેંકવામાં આવ્યા છે. કંઈક દાખલો બેસાડે તો સારું. બાકી તો આમ જ ચાલવાનું છે.
વડોદરામાં એક તરફ ગણેશ ઉત્સવની પૂર્વ તૈયારી જ ચાલી રહી છે ઠેર-ઠેર ગણેશજીની પ્રતિમાની સ્થાપના થઈ રહી છે. વિવિધ વિસ્તારોમાંથી ગણેશજીની આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે કેટલાક અસામાજિક તત્ત્વો વડોદરા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. માંજલપુર નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશજીની સ્થાપના કરતા પૂર્વે આગમન યાત્રા કાઢવામાં આવે છે. ત્યારે મંગળવારે (તા. 26મી ઓગસ્ટ) વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યા દરમિયાન પાણીગેટથી માંડવી તરફ આગમન યાત્રા પસાર થઈ રહી હતી. ત્યારે સીટી પોલીસ સ્ટેશનની નજીક કેટલાક અસામાજિક તત્ત્વોએ ગણેશજીની પ્રતિમા પર ઈંડાં ફેકી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.

ગણેશજીની મૂર્તિ પર પર ઈંડા ફેકતા ભારે હોબાળો થયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવી હતી અને લોકને સમજાવટથી મામલો શાંત પાડ્યો હતો અને ઈંડાં ફેકનાર તત્ત્વો સામે કાર્યવાહી કરવા ગણેશ મંડળ દ્વારા અરજી આપવામાં આવી હતી. આ બનાવવાની જાણ થતા કોર્પોરેશનના દંડક શૈલેષ પાટીલ ભાજપના કોર્પોરેટરો પૂર્વ કોર્પોરેટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ ઘટનાને વખોડી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્ત્વો સામે પગલાં ભરવા માંગણી કરી હતી. હાલમાં આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને શંકાસ્પદ ત્રણ જેટલા વ્યક્તિને રાઉન્ડઅપ કર્યા છે.
આ મામલે ડીસીપી એન્ડ્રુ મેકવાને જણાવ્યું કે, આરોપી સામે કડક કાર્યવાહી કરાશે. આ ઘટના રાત્રિના 3 વાગ્યાના આસપાસની છે. શંકમંદોને પકડીને પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ સીસીટીવી ફૂટેજની તપાસ પણ કરી રહ્યા છે. હાલમાં અજાણ્યા શખસો સામે ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારવામાં આવશે. તો સિટી પોલીસ મથકના પી. આઈ. રાજેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે, હાલમાં તપાસ ચાલી રહી છે અને આ બાબતની વિગતો અમારા ઉચ્ચ અધિકારીઓ આપશે. શંકાસ્પદ ત્રણ જેટલા વ્યક્તિને રાઉન્ડઅપ કર્યા છે.

આ ઘટના અંગે સ્થાનિક દંડક શૈલેષ પાટીલે આતંકવાદી કૃત્ય ગણાવીને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આવા કૃત્યથી વડોદરાની સંસ્કૃતિ અને શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ થયો છે, પરંતુ શહેરના લોકો આવા તત્વોને સફળ થવા દેશે નહીં.
આ અંગે નિર્મલ ભક્ત યુવક મંડળના સભ્ય સત્યમે જણાવ્યું કે, અમે ગણેશજીની મૂર્તિને લઈને જઈ રહ્યાં હતા, ત્યારે ત્રીજા માળેથી કોઈએ ઈંડા ફેંક્યા હતાં. અમે તાત્કાલિક સિટી પોલીસને જાણ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે તેમની સામે પણ ઈંડા ફેંકવામાં આવ્યા હતાં. આ ઘટના રાત્રે કિશનવાડી કૃષ્ણ તળાવથી પાણીગેટ થઈને સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મજાર માર્કેટ ખાતે બની હતી.

આ અંગે વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર મંત્રી વિષ્ણુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અત્યારે વડોદરા શહેરમાં શ્રીજીની મૂર્તિની ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા છે. કાર્યકરો પર ઈંડા ફેંકવામાં આવ્યા છે. પોલીસની હાજરીમાં ફેંકવામાં આવ્યા છે અને રોડની બંને બાજુથી ફેંકવામાં આવ્યા છે, એટલે અમારા માનવા મુજબ આ એક ષડયંત્રનો ભાગ છે. આ ષડયંત્રમાં જે કોઈ સામેલ હોય એની તપાસ કરીને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે. ગૃહમંત્રીનું જે સ્લોગન છે કે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે, તો હવે એ જોવું રહ્યું કે કાયદામાં રહેશે કે કેમ? અને આના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. હિન્દુ સમાજ આજે ભારેલા અગ્નિ જેવું એના પર બેઠો છે. તો વડોદરા શહેરમાં કંઈ પણ કશું થાય તેની જવાબદારી આ અસામાજિક તત્વોની રહેશે. કારણ કે પોલીસનો સહકાર મળ્યો છે, પણ સહકાર એ પૂરતો નથી. અસામાજિક તત્વોને દાખલો બેસે એવી કોઈ સજા કરવામાં આવે, કે એમનો વરઘોડો કાઢવામાં આવે, એવો કંઈક દાખલો બેસાડે તો બરાબર છે. બાકી તો જે પ્રમાણે જે ચાલે છે એ જ ચાલવાનું છે.

વડોદરા સિટી પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યો છે. તપાસ માટે એસીપી, ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને એફએસએલની ટીમો સક્રિય થઈ છે. સવારે 4 વાગ્યે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.


