- કાસમઆલા કબ્રસ્તાનની સામે ફાગવેલનગરમાં રહેતો શાનવાઝ ઉમરભાઇ સુન્ની (ઉ.વ.32) સામે 10 વર્ષમાં 16 ગુના નોંધાયા, કોર્ટે આરોપીના 2 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા
વડોદરા શહેરમાં આતંક મચાવનાર કાસમઆલા ગેંગના નવ સાગરિતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તમામને જેલને હવાલે કરાયા બાદ આ ગુનાની તપાસમાં આ ટોળકી સાથે વધુ એક માથાભારે ગુનેગાર સંડોવાયેલો હોવાની વિગતો પ્રકાશમાં આવતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી અને કોર્ટમાંથી 2 ઓગસ્ટ સુધીના 11 દિવસના રિમાન્ડ મેળવી સઘન તપાસ હાથ ધરી છે.

હુસેન સુન્ની અને તેના આઠ સાગરિતોએ કાસમઆલા ગેંગ બનાવી વડોદરા શહેરના કારેલીબાગ સહિતના વિસ્તારોમાં આતંક મચાવવો શરૂ કર્યો હતો. જેને પગલે શહેર પોલીસ કમિશનરની સૂચનાથી આ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી નવ આરોપીની ધરપકડ કરી તમામ સામે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી અને આ તમામ માથાભારે ગુનેગારો હાલ જેલવાસ ભોગવે છે.
પોલીસની તપાસમાં કાસમઆલા કબ્રસ્તાનની સામે ફાગવેલનગરમાં રહેતો શાનવાઝ ઉમરભાઇ સુન્ની (ઉ.વ.32) પણ આ ટોળકી સાથે સામેલ હોવાનું અને તે અકબર સુન્ની સાથે મળી ગુના આચરતો અને એકલો પણ ગુના આચરતો હતો. તેની સામે છેલ્લા 10 વર્ષમાં 16 ગુના નોંધાયા છે અને તેણે ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખી હોવાને કારણે ગુના શોધક શાખાએ મંજૂરી મેળવી કાસમઆલા ગેંગના સાગરિત તરીકે તેની ગુજસીટોક હેઠળ ધરપકડ કરી હતી. જેને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ રજૂ કર્યો હતો અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રઘુવીર પંડ્યાએ દલીલો કરી હતી. આ દરમિયાન કોર્ટે આરોપીના બીજી ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.


