- વૃદ્ધને મોઢાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી અને તેનો ડાબો પગ કપાઈ જવાને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું
- મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે વૃદ્ધનું મોત થયું છે. મોરિયા અને ચાંદોદ રેલ્વે સ્ટેશન વચ્ચેના રેલ્વે ટ્રેક પર થાંભલા નંબર 19/18 પાસે એક અજાણ્યા વૃદ્ધ ટ્રેનની અડફેટે આવી જતાં તેનું કરુણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે ચાણોદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે.
એકતાનગર(સ્ટેચ્યુ ઓફ યુનિટી)થી અમદાવાદ જતી (ટ્રેન નંબર-20950) અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન ચણોદ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અંદાજે 60 વર્ષની વયના અજાણ્યા વૃદ્ધને ટ્રેનની જોરદાર ટક્કર વાગતાં તે ફંગોળાઈ ગયા હતા. ટક્કરની તીવ્રતા એટલી હતી કે, વૃદ્ધને મોઢાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી અને તેનો ડાબો પગ કપાઈ જવાને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ટ્રેનના ડ્રાઈવરે તાત્કાલિક રેલ્વે તંત્રને આ ઘટના અંગે મેસેજ આપ્યો હતો. આ માહિતી મળતાં જ ચાંદોદ પોલીસ અને રેલ્વે પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ અધિકારીઓએ તપાસની શરૂઆત કરી હતી અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકો સાથે વાતચીત કરીને મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો કર્યા હતા. જોકે અકસ્માતમાં વૃદ્ધના મોઢાના ભાગને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી અને તેનો ચહેરો વિકૃત થઈ ગયો હોવાથી ઓળખ કરવી મુશ્કેલ બની છે. મૃતકના વસ્ત્રો અને અન્ય વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી. આત્મહત્યા છે કે દુર્ઘટના તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ચાંદોદ પોલીસે મૃતદેહને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે ડભોઇ સરકારી દવાખાને મોકલી આપ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અજાણ્યા વૃદ્ધની ઓળખ મેળવવા માટેની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આસપાસના ગામો અને યાત્રાધામના મુલાકાતીઓ સાથે પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને મૃતકના પરિવારજનોને જાણ કરી શકાય.
આ ઘટના રેલ્વે ટ્રેક પરના અકસ્માતોની વધતી જતી સમસ્યા તરફ ધ્યાન દોરે છે. રેલ્વે વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા લોકોને રેલ્વે ટ્રેક પર અનધિકૃત રીતે ચાલવા અથવા આવવા સામે વારંવાર ચેતવણી આપવામાં આવે છે, પરંતુ આવી દુર્ઘટનાઓ વારંવાર બને છે. આ અકસ્માતને કારણે સ્થાનિક વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે અને પોલીસે લોકોને વધુ સાવચેતી રાખવાની અપીલ કરી છે.


