- મરામત દરમિયાન લાઇન ચાલુ હોવાના કારણે જોરદાર કરંટ લાગ્યો હતો, રેસ્ક્યૂ સમયે એક વ્યક્તિ વારંવાર કહી રહ્યાં હતા, 'લાકડુ મારો, બિચારો ક્યારનો હલી રહ્યો છે'
- વીજ લાઈન બંધ કરીને વીજકર્મી મહેશભાઈને ઉતાર્યા બાદ તાત્કાલિક અટલાદરા ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
વડોદરા શહેરમાં MGVCLની ગંભીર બેદરકારીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આજે સવારે એક વીજકર્મી લાઇનની મરામત માટે વીજપોલ પર ચડ્યા હતા. મરામત દરમિયાન લાઇન ચાલુ હોવાના કારણે તેમને ભારે કરંટ લાગ્યો હતો, જેથી તે ગંભીર રીતે દાઝી ગયા હતા. MGVCLના સ્ટાફ દ્વારા યુવકને રેસ્ક્યૂ કરીને તેમને તાત્કાલિક નીચે ઉતારવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ સમયે એક વ્યક્તિ વારંવાર કહી રહ્યાં હતા કે, 'લાકડુ મારો, બિચારો ક્યારનો હલી રહ્યો છે.'અને BAPS સ્વામિનારાયણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા BAPS સ્વામીનારાયણ મંદિર પાસે MGVCLના કર્મચારીઓ લાઇનની મરામતની કામગીરી કરી રહ્યા હતા. તે સમયે વીજકર્મી મહેશભાઈ વાણીયા (ઉંમર 45 વર્ષ) કામગીરી માટે વીજપોલ પર ચડ્યા હતા. આ સમયે અચાનક તેમને વીજ કરંટ લાગ્યો હતો અને તેઓ વીજ પોલ ઉપર ફસાઈ ગયા હતા. જેથી પોલ પર આગ લાગી હતી અને આગની ચપેટમાં આવતાં તેઓ પીઠના ભાગે દાઝી ગયા હતા.


આ ઘટનાને પગલે તુરંત જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. જેથી વાસણા ફાયર બ્રિગેડના સૈનિક શૈલેષભાઈ રાઠવા અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે તેઓ પહોંચે તે પહેલા જ MGVCLના સ્ટાફ દ્વારા મહેશભાઈ વાણિયાને રેસ્ક્યૂ કરીને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન વીજકર્મી દર્દથી કણસી રહેલો જોવા મળ્યો હતો, ત્યારે એ સમયે એક વ્યક્તિ એને બચાવવા માટે બોલી રહ્યાં હતા કે, 'લાકડાથી મારો, બિચારો ક્યારથી હલે છે.' વીજ લાઈન બંધ કરીને મહેશભાઈને ઉતાર્યા બાદ તાત્કાલિક અટલાદરા ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે વીજ લાઈનની મરામતની કામગીરી સમયે એક ફીડર લાઇન ચાલુ હતી એને બીજી ફીડર લાઇન બંધ હતી. જોકે આ ઘટના કેવી રીતે બની તે અને કોની બેદરકારી છે તે પણ તપાસનો વિષય છે. મેન્ટેનન્સની કામગીરી સમયે વીજ લાઈન બંધ કેમ ન કરવામાં આવી તે પણ એક સવાલ છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અવારનવાર આ પ્રકારે વીજકર્મીઓ દુર્ઘટનાઓનો ભોગ બનતા હોય છે, ઘણી ઘટનાઓમાં વીજ કરીને પોતાના જીવ પણ ગુમાવે છે, ત્યારે આવી ઘટનામાં યોગ્ય તપાસ થાય તે જરૂરી છે.


