- લોન એજન્ટ તરીકે પોતાની ઓળખ આપી તે આર્થિક સંકડામણનો સામનો કરતા લોકોને લોન અપાવવાની લાલચ આપતો હતો, લોનના હપ્તા નહીં ભરી 100 લોકોને ભોગ બનાવ્યા
ગ્રાહકોના નામે લોન લઈ તેના હપ્તા નહીં ભરી કુલ 86 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને એક આરોપી વોન્ટેડ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. લોનના હપ્તા નહીં ભરીને 100 જેટલા લોકોને ભોગ બનાવ્યા હતા. આ ટોળકીએ વડોદરા ઉપરાંત રાજ્યભરમાં ગુના આચર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ડી.જે. ચુડાસમા અને પીઆઈ આર.એસ. ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એન. બારૈયા તથા તેમની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે આજવા રોડ સ્થિત સયાજીપાર્ક વિસ્તારમાંથી અંશુ વિનોદભાઈ શર્મા (ઉ.વ. 30), રહે. જય અંબેનગર, રામદેવનગર પાસે, આજવા રોડ, વડોદરાને શોધી કાઢ્યો હતો. પૂછપરછ અને ચકાસણી દરમિયાન આરોપી વર્ષ 2024માં જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈના ગુનામાં સંડોવાયેલ હોવાનું તથા ધરપકડ ટાળવા ફરાર હોવાનું સામે આવ્યું હતું. તેને વધુ તપાસ માટે જે.પી. રોડ પોલીસને સોંપવામાં આવ્યો છે.

પોલીસ તપાસ મુજબ વર્ષ 2024 દરમિયાન અક્ષરચોક સ્થિત સિગ્નેટ હબમાં રાજીવ ચોબે મની સોલ્યુશન નામથી ઓફિસ ચલાવતો હતો. લોન એજન્ટ તરીકે પોતાની ઓળખ આપી તે આર્થિક સંકડામણનો સામનો કરતા લોકોને લોન અપાવવાની લાલચ આપતો હતો. આરોપી અંશુ શર્મા સહિતના સાગરીતો લોકોને વિવિધ ઇલેક્ટ્રોનિક સામાનની દુકાનો પર લઈ જઈ તેમના નામે જરૂરિયાત કરતાં વધુ રકમની લોન મંજૂર કરાવતા હતા.
આરોપીઓ લોકોમાં વિશ્વાસ પેદા કરતા કે વધારાની લોનના હપ્તા તેમની ઓફિસ દ્વારા ભરવામાં આવશે. જોકે લોન મળ્યા બાદ હપ્તાઓ ભરવામાં આવ્યા નહોતા. પરિણામે ફરીયાદી અને અન્ય નાગરિકોના નામે લીધેલી લોન બાકી રહી હતી. બાદમાં આરોપીઓ ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા હતા. આ રીતે આશરે 100 જેટલા લોકોને ભોગ બનાવી કુલ રૂ. 86 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.


