- વડુ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી
- અદાલતે સાપરાધ મનુષ્યવધના ગુનામાં કસુરવાર ઠેરવી દસ વર્ષની સખ્ત કેદ તેમજ રૂા.૫ હજારનો દંડ ફટકાર્યો
પાદરા તાલુકાના મોભા ગામે ખુરશી તોડવા જેવી નજીવી બાબતે ઝઘડો થતાં કાકાને લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને અદાલતે સાપરાધ મનુષ્યવધના ગુનામાં કસુરવાર ઠેરવી દસ વર્ષની સખ્ત કેદ તેમજ રૂા.૫ હજારનો દંડ ફટકાર્યો હતો.
બનાવની વિગત એવી છે કે, તા.૮ નવેમ્બર ૨૦૨૨ના રોજ રાત્રે આઠ વાગ્યાની આસપાસ મોભા સ્ટેશન વિસ્તારમાં રહેતા આરોપી કમલેશ ઉર્ફે નાનુ મનોજભાઇ વસાવાએ તેના કાકા સૂર્યકાંતભાઈના ઘર પાસે જઈ પ્લાસ્ટિકની ખુરશીને લાત મારી તોડી નાખી હતી. સૂર્યકાંતભાઈએ આ અંગે ઠપકો આપતા આરોપી કમલેશ એકાએક ઉશ્કેરાઇ ગયો હતો અને નજીકમાં પડેલા લાકડાના ઢગલામાંથી મોટું લાકડું લઈ કાકાના માથામાં તેમજ છાતીમાં મારતા સૂર્યકાંતભાઇનું મોત થયું હતું.
આ બનાવ અંગે વડુ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, નજીવી બાબતે થયેલો આ હુમલો અત્યંત ગંભીર હતો. ફરિયાદી પક્ષે કુલ ૧૬ જેટલા સાક્ષીઓની જુબાની લીધી હતી, જેમાં મૃતકની પત્ની અને બનાવના નજરે જોનાર સાક્ષીઓએ આરોપીની સંડોવણી સ્પષ્ટ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ એ વાત સાબિત થઈ હતી કે ગંભીર ઈજાનાકારણે હૃદય બેસી જવાથી મૃત્યુ થયું હતું.
જ્યારે બચાવ પક્ષે એવી દલીલ કરી હતી કે આરોપીનો હત્યા કરવાનો કોઈ ઈરાદો ન હતો.અદાલતે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓની ગહન ચકાસણી કર્યા બાદ નોંધ્યું હતું કે, આરોપીનો ઈરાદો કદાચ હત્યા કરવાનો નહોતો, પરંતુ તેણે જે રીતે હુમલો કર્યો તે જોતા તેને ભાન હતું કે આ ઈજાથી મૃત્યુ થઈ શકે છે. પંચ સાક્ષીઓ હોસ્ટાઈલ થયા હોવા છતાં, અદાલતે નજરે જોનાર સાક્ષીઓની જુબાનીને માન્ય રાખી હતી.


