- ઘર સળગાવ્યા બાદ આરોપીએ ધમકી આપી હતી કે, પોલીસમાં ફરિયાદ કરશો તો તને અને તારા પરિવારને છોડીશ નહીં, આગમાં વોશિંગ મશીન સહિત અન્ય સામાન સળગી ગયું હતું
વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગઈકાલે બંધ મકાનમાં આગ લાગી હોવાનો કોલ વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની ટીમને મળતા તાત્કાલિક ટીમ ઘટનાસ્થળે પહોંચી બંધ મકાનમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં અંગત અદાવતમાં એક શખ્સે જાણી જોઈને આગ લગાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

તા. 9 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે લગભગ 6.29 વાગ્યાના સમયે પંચામૃત એપાર્ટમેન્ટ પાસે આવેલી સુર્યોદય પાર્ક સોસાયટીમાં બી/13 નંબરના મકાનની પાછળની ગેલેરીમાં અંગત અદાવતમાં ઉશ્કેરાઈને આરોપીએ આગ લગાવી દીધી હતી. આગમાં મકાનમાં રાખેલું વોશિંગ મશીન સહિત અન્ય સામાન સળગી ગયું હતું. આગની લપેટમાં મકાનના ઉપરના માળે રહેતા અન્ય વ્યક્તિના ઘરના બારણાનો ભાગ પણ આવી ગયો હતો, જેનાથી અંદાજે રૂપિયા 25,000 જેટલું નુકસાન થયું હતું.


આરોપીએ ફરિયાદીને ધમકી પણ આપી હતી કે જો પોલીસમાં ફરિયાદ કરશો તો તને અને તારા પરિવારને છોડીશ નહીં. આ ઘટના અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ગોરવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીની ઓળખ થતા શંકરભાઈ મનુભાઈ માળી, (રહે.કામનાથ મહાદેવ મહોલ્લો, કમાટીબાગ, વડોદરા)ની ધરપકડ કરી છે.


