- આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મેયર રાજીનામું આપોના સૂત્રોચ્ચાર સાથે મેયરની ચેમ્બરની બહાર લગાવેલી નેમ પ્લેટ તોડી નાખી, બે મહિલા સહિત 24 જેટલા કાર્યકરોની અટકાયત કરાઇ!
- મેયરને પદ ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી, તેઓએ તાત્કાલિક રાજીનામું આપવું જોઇએ

વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં સર્જાયેલા ખાડા, પાણીની સમસ્યા, પાણીનો ભરાવો, હરણી બોટ કાંડના પીડિતોને ન્યાય નહીં મળવો અને વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર જેવા વિવિધ મુદ્દાઓ પર રજૂઆત કરવા માટે આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વડોદરા કોર્પોરેશનમાં ભારે હલ્લાબોલ કર્યો હતો. મેયર ઉપસ્થિત ન હોવાથી રોષે ભરાયેલા કાર્યકરોએ મેયર રાજીનામું આપોના સૂત્રોચ્ચાર સાથે મેયરની ચેમ્બરની બહાર લગાવેલી નેમ પ્લેટ તોડી નાખી હતી અને દરવાજા પર કાળી શાહી છાંટીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ બનાવમાં પોલીસે બે મહિલા સહિત 24 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.



પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં સામાન્ય વરસાદમાં પણ ઠેર-ઠેર ખાડા પડી ગયા છે, વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરીનો જવાબ આપવા માટે મેયર તૈયાર નથી. હરણી બોટ કાંડમાં હજુ ન્યાય આપવામાં આવ્યો નથી. ત્યારે આમ આદમી પાર્ટીનો મોરચો વડોદરા કોર્પોરેશન ખાતે મેયર પિન્કીબેન સોનીને રજૂઆત કરવા માટે આવ્યો હતો. જોકે મેયર ઉપસ્થિત ન હોવાથી કાર્યકરોએ મેયરની ચેમ્બરની બહાર મેયર રાજીનામું આપો, હરણી બોટ કાંડના પિડીતોને ન્યાય આપો, પાણીની સમસ્યા હલ કરો, રોડ ઉપર પડેલા ખાડા દૂર કરો... જેવા સૂત્રોચાર કર્યા હતા.



લગભગ અડધો કલાક સુધી મેયરના ચેમ્બરની બહાર ભારે હલ્લાબોલ કરનાર કાર્યકરોએ મેયરની ચેમ્બરની બહાર લાગેલી મેયરની નેમ પ્લેટ તોડી નાખી હતી. આ ઉપરાંત મેયરના દરવાજા ઉપર કાળી સહી છાંટીને રોષ ઠાલવ્યો હતો. મામલો ઉગ્ર બનતા કોર્પોરેશનની સિક્યુરિટી અને બંદોબસ્ત માટે આવેલી નવાપુરા પોલીસે કાર્યકરોને બળ વાપરીને મેયરના ચેમ્બર પાસેથી દૂર કરી દીધા હતા અને તમામને કોર્ડન કરી લીધા હતા. તે બાદ બે મહિલા કાર્યકરો સહિત 24 જેટલા કાર્યકરોની અટકાયત કરતા કાર્યકરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.




વડોદરા શહેર આમ આદમી પાર્ટીના મહામંત્રી જાનવીબા ગોહિલે જણાવ્યું હતું કે, આજે અમે વડોદરા શહેરના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરવા માટે આવ્યા હતા, પરંતુ મેયર ઉપસ્થિત ન હતા. કાર્યકરોએ આવેશમાં આવીને મેયરની નેમ પ્લેટ તોડી નાખી છે અને મેયરના ચેમ્બરના દરવાજા ઉપર સહી છાંટી રોષ ઠાલવ્યો છે. મેયરને પદ ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી. તેઓએ તાત્કાલિક રાજીનામું આપવું જોઇએ. મેયર વડોદરા શહેરના તમામ પ્રશ્નો હલ કરવામાં નિષ્ફળ પુરવાર થયા છે.



ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના યુથ જોઈન્ટ સેક્રેટરી પિયુષ રામાણીએ જણાવ્યું હતું કે, વડોદરા કોર્પોરેશન વડોદરા શહેરને પ્રાથમિક સુવિધાઓ આપવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયું છે. હજી સુધી હરણી બોડકાંડના ન્યાય આપી શક્યું નથી. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. આ વખતે પણ વડોદરા શહેરમાં પૂર આવશે કે નહીં તે અંગે મેયર જવાબ આપવા તૈયાર નથી. ત્યારે મેયરે તેમના પદ ઉપરથી તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ.




