રશિયાના વર્ક વિઝા કાઢી આપવાના નામે કંડારી ગામના યુવક પાસેથી રૂા.3 લાખ લઇ છેતરપિંડી

કંડારી ગામના જીગ્નેશકુમાર ડાભીએ 4 ભેજાબાજો સામે ગોરવા પોલીસમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - A-youth-from-Kandari-village-was-cheated-of-Rs-3-lakh-in-the-name-of-issuing-a-work-visa-for-Russia

- ફરિયાદી જીગ્નેશકુમાર ડાભીને રશિયામાં નોકરી અપાવવાના બહાને ૩ લાખ રૂપિયા પડાવી લીધા બાદ 4 ભેજાબાજોએ વર્ક પરમિટ વિઝાના બદલે વિઝિટર વિઝા આપી ઠગાઇ કરી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામના યુવકને રશિયામાં નોકરી અપાવવાના બહાને તેમની પાસેથી ભેજાબાજોએ 3 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને વર્ક પરમિટ વિઝાના બદલે વિઝિટર વિઝા આપીને છેતરપિંડી કરી હતી. આ મામલે ગોરવા પોલીસે 4 આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંડારી ગામના રહેવાસી જીગ્નેશકુમાર સુંદરલાલ ડાભીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમને રશિયામાં નોકરી મળવાની હતી, તેથી તેમણે પોતાના સબંધી વિનોદભાઈ મણિલાલ વણકરને આ અંગેની વાત કરી હતી. વિનોદભાઈએ તેમનો સંપર્ક વડોદરા શહેરના ગોરવા રિફાઇનરી રોડ પર લક્ષ્મીકુંજ સોસાયટીમાં રહેતા નીતિનભાઈ માનસિંહ પરમાર સાથે કરાવ્યો હતો.

તા. 9 જૂન 2025ના રોજ જીગ્નેશકુમાર નીતિનભાઈ પરમારને મળ્યા હતા. નીતિનભાઈએ જણાવ્યું કે, તેઓ નક્ષ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરે છે, જેના માલિક ભાવેશભાઈ મોહનભાઈ મકવાણા અને હિતેશભાઈ જશવંતસિંહ સોલંકી છે. રશિયાના વર્ક પરમિટ માટે 3 લાખ રૂપિયા ખર્ચ થશે અને ત્યાં 70 હજારથી 1 લાખ રૂપિયા પગાર મળશે તેવું કહી તેમનો વિશ્વાસ મેળવ્યો હતો. વિશ્વાસમાં આવીને જીગ્નેશકુમારે પાસપોર્ટ સહિત જરૂરી દસ્તાવેજો નીતિનભાઈને આપ્યા હતા. નીતિનભાઈએ 10 દિવસમાં વિઝા થઈ જશે તેવું કહ્યું હતું. એક અઠવાડિયા પછી નીતિનભાઈ અને વિનોદભાઈએ વોટ્સએપ પર ઈ-વિઝા લેટર મોકલી વિઝા આવી ગયો છે તેમ જણાવ્યું હતું અને 3 લાખ રૂપિયા ભરવા કહ્યું હતું.

તા. 26 જૂન 2025ના રોજ જીગ્નેશભાઈએ નીતિનભાઈની ઓફિસે જઈને રોકડા 3 લાખ રૂપિયા નીતિનભાઈને આપ્યા હતા, ત્યારબાદ નીતિનભાઈએ ટૂંક સમયમાં ટિકિટ, ગ્રીન કાર્ડ તેમજ રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપવાનું કહ્યું હતું. તા. 30 જુલાઈ 2025ના રોજ અમદાવાદ-દિલ્હી-મોસ્કોની પ્લેન ટિકિટ આપવામાં આવી હતી.

રશિયા પહોંચ્યા પછી કંપનીના માલિક હિતેશભાઈ સોલંકીએ હોટલ બુકિંગ કરાવવાનું કહ્યું હતું, પરંતુ તેઓએ કોઈ વ્યવસ્થા કરી નહોતી. હિતેશભાઈએ તેમના એજન્ટ અરુણ વર્મા સાથે સંપર્ક કરાવ્યો હતો, જેણે જીગ્નેશકુમારને અલગ-અલગ જગ્યાએ રાખ્યા હતા, પરંતુ કોઈ નોકરી આપી નહોતી.

પાછળથી ખબર પડી હતી કે, વર્ક પરમિટ વિઝાના બદલે વિઝિટર વિઝા કરી આપવામાં આવ્યો હતો, જેના કારણે નોકરી તેમજ રહેવાની સુવિધા મળી નહોતી. વિઝા પૂરો થતાં જીગ્નેશકુમાર તા. 15 ઓગસ્ટ 2025ના રોજ ભારત પરત ફર્યા હતા, પરત ફર્યા પછી નીતિનભાઈ પરમાર, હિતેશભાઈ મકવાણા અને વિનોદભાઈ વણકરને પૂછતાં તેઓ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. પોલીસે આ મામલે 4 આરોપી નિતીન પરમાર, હિતેશ સોલંકી, ભાવેશ મકવાણા અને વિનોદ વણકર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments