- અકસ્માત બાદ ઘટનાસ્થળે રાહદારીઓ તેમજ વાહનચાલકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં એક રાહદારીનું ક્રેન અડફેટે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ક્રેન ડ્રાઇવરની અટકાયત કરી છે. આ અકસ્માતની ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જોઈ શકાય છે કે યુવક પોતાની ધૂનમાં ચાલીને જઈ રહ્યો છે અને અચાનક પાછળથી આવતી ક્રેને યુવકને અડફેટે લઈ કચડી નાખ્યો હતો.

મકરપુરા ડેપોથી જી.આઈ.ડી.સી. તરફ જતા રસ્તા પર રાહદારી વિનુભાઈ ભાભોર (રહે. દાહોદ જિલ્લાના ડોકી ગામના નિવાસી, હાલ વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં રહે છે) પોતાના સંબંધીને મળવા જઈ રહ્યા હતા. તેને ક્રેનના ચાલકે અડફેટે લીધો હતો. ક્રેનના તોતિંગ પૈડા નીચે આવી જવાથી રાહદારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને ઘટનાસ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું.

અકસ્માત બાદ ઘટનાસ્થળે રાહદારીઓ તેમજ અન્ય વાહનચાલકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. મકરપુરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. ઘટનાના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાંથી મળેલા ફૂટેજમાં ક્રેનચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. મકરપુરા પોલીસે ક્રેનચાલક વિરુદ્ધ અકસ્માત અને બેદરકારીથી મૃત્યુના આરોપસર ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


મકરપુરા GIDCમાં કંપની ચલાવતા વેપારી જયેશભાઈએ જણાવ્યું હતું કે જે માણસ ગુજરી ગયો છે, એના ઘરવાળાને તો ખબર પણ નથી કે તેમના પરિવારનો સભ્ય હવે આ દુનિયામાં નથી. આવા અકસ્માતો દિવસે ને દિવસે વધી રહ્યા છે. સરકારે આની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ. રસ્તાઓ પરથી દબાણો હટાવવાં જ પડશે.
અન્ય એક યુવકે જણાવ્યું હતું કે સ્ટ્રીટ લાઈટો ચાલતી નથી. રસ્તો બનાવે છે અને પાછો ખોદી નાખે છે. મોટી ગાડીઓ અને ક્રેનવાળા ગમે તેમ સ્પીડમાં જાય છે. હજુ 13 જાન્યુઆરીએ રાત્રે અહીં જ એક ભાઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને આજે ફરી આ અકસ્માત થયો છે. શું સરકાર આની જવાબદારી લેશે?


