- 25 વર્ષીય પુત્ર નિકુલપુરી ગોસ્વામીએ પોતાના ઘરમાં પંખાના હુકમાં ગાળિયો બનાવી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, આત્મહત્યા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી
વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ, વૈકુંઠ-2 નજીક આવેલી શિવમ હોમ સોસાયટીમાં ગતરોજ એક દુખદ ઘટના સામે આવી હતી. ભગવાનપુરી ગોસ્વામી નામના વૃદ્ધના 25 વર્ષીય પુત્ર નિકુલપુરી ગોસ્વામીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી, જેના કારણે સોસાયટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ આત્મહત્યા કયા કારણોસર કરી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
ભગવાનપુરી ગોસ્વામી તેમની 30 વર્ષની પુત્રી અને પુત્ર નિકુલપુરી સાથે શિવમ હોમ સોસાયટીમાં રહે છે. ભગવાનપુરીની પત્નીનું અવસાન થયું હોવાથી પરિવાર વડીલ મહિલાની છત્રછાયા વિના જીવન જીવી રહ્યો હતો. પુત્રીના લગ્ન નક્કી થયા હતા અને પુત્રી તેમજ નિકુલ બંને ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. શ્રાવણ માસના પહેલા સોમવારે નિકુલ ઘરે જમવા આવ્યો હતો. જમ્યા બાદ તે પોતાના રૂમમાં ગયો અને ત્યાં પંખાના હૂક સાથે ગાળિયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો. બપોરે ચાર વાગ્યા સુધી નિકુલ રૂમમાંથી બહાર ન આવતા, પરિવારજનોએ તપાસ કરતાં આ દુખદ ઘટનાની જાણ થઈ હતી. ભગવાનપુરીએ તાત્કાલિક હરણી પોલીસને જાણ કરી હતી.
હરણી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તપાસ અધિકારી અશ્વિન મોતીભાઈના જણાવ્યા અનુસાર, નિકુલે કયા કારણોસર આત્મહત્યા કરી તે જાણવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે પરિવારજનો, સોસાયટીના રહીશો અને નિકુલના સાથીદારોની પૂછપરછ શરૂ કરી છે, જેથી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય.
આ ઘટનાથી શિવમ હોમ સોસાયટીના રહીશોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. નિકુલના અચાનક આ પગલાથી પરિવાર અને પડોશીઓ આઘાતમાં છે. હાલ પોલીસ આ ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે, અને આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ખબર પડશે.


