- શિનોર તાલુકાના મોટા ફોફડીયા ગામના 28 વર્ષીય યુવકે અને વડસર બ્રિજ પાસે રહેતા અને સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતાં 67 વર્ષીય વૃદ્ધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
વડોદરા નજીક આવેલા અનગઢ ગામના યુવાને બસ થાકી ગયો છું જિંદગીથી, હું જે કઇ કરું છું મારી મરજીથી કરું છું તેવી અંતિમચિઠ્ઠી લખી ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવતા સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સાથે શહેર અને જિલ્લામાં માત્ર ગળા ફાંસો ખાઇને આપઘાતના ત્રણ બનાવો નોંધાયા છે.
વડોદરા નજીક અનગઢમાં વખતપુરા ગરનાળા પાસે રહેતા ૩૫ વર્ષના રાકેશ અરવિંદ ગોહિલે બપોરે બે વાગ્યા પહેલા રહસ્યમય સંજોગોમાં દુપટ્ટાથી ગળા ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી. આ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરતા તેની પાસેથી ગુજરાતી ભાષામાં લખેલી એક અંતિમચિઠ્ઠી મળી હતી જેમાં મૃતકે લખ્યુ હતું કે હું જે પણ કરું છું મારી મરજીથી કરું છું, આમા કોઇ જબરદસ્તી નથી કે કોઇનું દબાણ નથી, બસ થાકી ગયો છું જિંદગીથી. મારા મોત પછી કોઇ પણ જાતની પૂછપરછ કે કોઇ પણ ઇન્કવાયરી કરતા નહી.
હું મારી મરજીથી કરુ છું બસ એટલું જ કહીશ, મારા ભાઇને કહેવાનું કે મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે, હવે તારે ઘર ચલાવવાનું છે, મારા ફેમિલીએ બહુ ખુશી આપી પણ આજથી નથી જીવવું, લાઇફમાં કઇ રહ્યુ નથી હવે જીવવા માટે આટલી જિંદગી બહુ છે મને માફ કરી દેજો.
બીજા બનાવમાં વડોદરાના શિનોર તાલુકાના મોટા ફોફડીયા ગામનો છે. જ્યાં 28 વર્ષીય દશરથ જશુભાઈ વસાવા નામના અપરણીત યુવાને ઘરે એકલતાનો ફાયદો લઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ યુવક છૂટક મજૂરી કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. માતા-પિતા ખેતરમાં રીંગણાં તોડવાના કામે ગયા હતા ત્યારે તેણે આપઘાત પહેલાં એક ચિઠ્ઠી લખી હતી. ચિઠ્ઠીમાં તેણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ પગલું તેણે પોતાની મરજીથી ભર્યું છે અને માતા-પિતા કે ભાઈને કોઈપણ પ્રકારની તપાસમાં હેરાન ન કરવા વિનંતી કરી હતી. પોલીસે આ ચિઠ્ઠી કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે.
ત્રીજો બનાવ માજલપુર વિસ્તારના લાભોબા નગર (વડસર બ્રિજ પાસે)નો છે. જ્યાં 67 વર્ષીય રમેશભાઈ શિવરાય ચૌધરી ખાનગી સિક્યુરિટીની નોકરી કરતા હતા. અગમ્ય કારણોસર તેમણે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. માજલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. હાલ આ આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.


