- GPS લોકેશન મુજબ કાર પાલનપુર, મહેસાણા પાર કરીને રાજસ્થાનના પોખરણ સુધી પહોંચી ગઇ હોવાનું જાણવા મળ્યું, યુવકે બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
વડોદરા જિલ્લાના વાઘોડિયાના કમલાપુરામાં રહેતા યુવકની મહિન્દ્રા સ્કોર્પિયો કાર ઠગે બે દિવસ માટે ભાડે લઈ પરત ન આપતા આખરે ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ ચાર દિવસ પછી પણ કાર કે ભાડાના પૈસા પરત ન કરતા આખરે આ મામલે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કમલાપુરા ગામના રહેવાસી નીકુલભાઈ જયેશભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે કે તેમણે તાજેતરમાં જ મહિન્દ્રા સ્કોર્પિયો કાર ખરીદી હતી. તારીખ 7 જાન્યુઆરી 2026 રોજ તેમના કાકાના દીકરા બંટીએ જણાવ્યું હતું કે તેમનો મિત્ર મોહિત બલવા (રહે ગુરુકુલ માર્ગ, ન્યૂ વી.આઈ.પી. રોડ, વડોદરા) ગાડીઓ ભાડે આપવાનો ધંધો કરે છે અને તેને બે દિવસ માટે સ્કોર્પિયો કાર જોઈએ છે. બે દિવસના ભાડા તરીકે 10 હજાર રૂપિયા આપવાનું તેણે કહ્યું હતું.
આથી નીકુલભાઈએ તેમના ભાઈ બંટી દ્વારા મોહિત બલવાને કાર ભાડે આપી દીધી હતી. મોહિતે ભાડાના 10,000 રૂપિયા કાર પરત આપતી વખતે આપી દેવાનું જણાવીને કાર લઈ ગયો હતો. તારીખ 9 જાન્યુઆરીએ જ્યારે કાર અને ભાડા માટે પૂછવામાં આવ્યું ત્યારે બંટીએ જણાવ્યું કે મોહિતે બીજા બે દિવસ પછી કાર અને પૈસા આપી દેવાનું કહ્યું છે. આ પછી પણ કાર ન મળતા નીકુલભાઈએ ફરી પૂછતાં ખબર પડી કે મોહિત ફોન ઉપાડતો નથી અને કારની વિગતો પણ આપતો નથી. ત્યારબાદ નીકુલભાઈ અને તેમના ભાઈ બંટી મોહિતના ઘરે ગયા, પરંતુ તે ત્યાં મળ્યો નહીં અને ફોન પણ ન ઉપાડ્યો.
કારમાં લગાવેલા જીપીએસ સિસ્ટમ દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે, કાર પાલનપુર, મહેસાણા પાર કરીને રાજસ્થાનના પોખરન વિસ્તારમાં પહોંચી ગઈ છે. છેલ્લું લોકેશન રાજસ્થાનમાં દર્શાવાયું હોવાથી નીકુલભાઈને શંકા છે કે, મોહિત બલવાએ કારને બારોબાર સગેવગે નાખી દીધી છે. આ ઘટના અંગે વડોદરા પોલીસે આરોપી મોહિત બલવા સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


