- સોમાતળાવ વિસ્તારમાં સગાઇ બાદ યુવતી યુવકના ઘરે રોકાઇ હતી, સપ્તાહ પછી યુવતીને માતા-પિતા ઘરે લઇ જતાં લગ્ન નહીં થાય તેવી હતાશામાં યુવકે અંતિમ પગલું ભર્યાની આશંકા
- અકોટામાં ૯ વર્ષ પહેલા માતાના મૃત્યુના આઘાતમાં પરિણીતાએ પણ જીવન ટૂંકાવ્યું
સગાઇ બાદ લગ્ન નહી થાય તેમ લાગતા સોમાતળાવ વિસ્તારના યુવાને તેમજ માતાની યાદ આવતા એક પરિણીતાએ ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હોવાના બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ સોમાતળાવ વિસ્તારમાં આવેલ ઓમ રેસિડેન્સીમાં રહેતા ૨૬ વર્ષના હર્ષિવ ઉર્ફે ગોકુલ ઇશ્વરભાઇ સોલંકીએ ઘરના બેડરૂમમાં પંખા પર સાડી બાંધી ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. સવારથી ઘરની બહાર ગયેલા માતા અને પિતા સાંજે ઘેર આવ્યા ત્યારે પુત્ર ફાંસો ખાધેલી હાલતમાં જણાયો હતો. આ અંગે કપુરાઇ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ડ્રાઇવિંગનું કામ કરતા મૃતકની એક માસ પહેલા સગાઇ થઇ હતી અને યુવતી ઘેર આવી હતી. એક સપ્તાહ તે ઘરમાં રોકાયા બાદ તેના માતા અને પિતા તેને પરત લઇ ગયા હતાં. જેના પગલે મૃતકને હવે મારા લગ્ન નહી થાય તેવી હતાશામાં અંતિમ પગલું ભર્યું હોઇ શકે.
બીજા બનાવમાં અકોટા વિસ્તારમાં દિનેશ મિલ પાછળ સનસિલ્ક એપાર્ટમેન્ટમાં રહેતી ૩૯ વર્ષની પરિણીતા હિરલ ધુ્રવ સોનીએ ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે તેમના પતિ બીજા મકાનમાં સાફ સફાઇ કરવા માટે ગયા હતા જ્યારે સંતાનો અન્ય એક રૂમમાં હતા ત્યારે પરિણીતાએ બેડરૂમમાં અંતિમ પગલું ભર્યું હતું. પોલીસનું માનવું છે કે નવ વર્ષ પહેલા મૃતકની માતાનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ તેઓ નિરાશ રહેતા હતા જેથી તેમની યાદમાં આ પગલું ભર્યુ હોઇ શકે.


