ગણેશોત્સવમાં હોર્ડિગ્સ-બેનર લગાવવાની મંજૂરી આપવા ગણેશ મંડળોની ચેરમેનને રજૂઆત કરી

વડોદરા શહેરને હોર્ડિગ્સ ફ્રી સિટી બનાવવા થોડા સમય અગાઉ કોર્પોરેશન દ્વારા ઠરાવ કરાયો હતો

MailVadodara.com - A-presentation-was-made-to-the-chairman-of-Ganesh-Mandals-to-allow-them-to-put-up-hoardings-and-banners-during-the-Ganeshotsav

- કોર્પોરેશન દ્વારા ઠરાવમાં રાજકીય અગ્રણી આવે ત્યારે હોર્ડિંગ્સ લગાવવા માટેની છૂટછાટ આપવામાં આવી હતી પરંતુ, ધાર્મિક ઉત્સવ અંગે કોઈ નોંધ ઠરાવમાં કરવામાં આવી ન હતી!?

- સ્થાયી ચેરમેને કહ્યું કે, સમિતિના સભ્યો અને પક્ષના હોદ્દેદારો સાથે ચર્ચા કરી નિર્ણય લેવાશે

આગામી તારીખ 27 ઓગસ્ટથી શરૂ થતા ગણેશ મહોત્સવ દરમિયાન 15 દિવસ માટે ગણેશ મંડળોને હોર્ડિગ્સ અને બેનરો લગાવવાની મંજૂરી આપવા માટે આજે ગણેશ મંડળોએ સ્થાયી સમિતિના ચેરમેનને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન દ્વારા હોર્ડિંગ્સ ફ્રી સીટી જાહેર કરવામાં આવી છે. ગણેશ મંડળોની રજૂઆત અંગે સ્થાયી સમિતિના ચેરમેને જણાવ્યું કે, સમિતિના સભ્યો અને પક્ષના હોદ્દેદારો સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.


વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં આડેધડ હોર્ડિંગ્સ લગાવવામાં આવતા હતા, જેના કારણે કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરને હોર્ડિંગ્સ ફ્રી સિટી બનાવવા માટે થોડા સમય પહેલા ઠરાવ કરવામાં આવ્યો હતો અને આ ઠરાવનો કડકપણે અમલ શરૂ કરવામાં આવ્યો હતો. જોકે, કોર્પોરેશન દ્વારા ઠરાવમાં રાજકીય અગ્રણી આવે ત્યારે હોર્ડિંગ્સ લગાવવા માટેની છૂટછાટ આપવામાં આવી હતી પરંતુ, ધાર્મિક ઉત્સવ અંગે કોઈ નોંધ ઠરાવમાં કરવામાં આવી ન હતી.

આગામી તારીખ 27 ઓગસ્ટથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ રહી છે ત્યારે સ્થાયી સમિતિના સભ્યો જાગૃતીબેન કાકા અને હેમીશાબેન ઠક્કરે ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશ મંડળોને 15 દિવસ માટે ચોક્કસ નિયમોને આધીન હોર્ડિંગ્સ- બેનરો લગાવવા માટે છૂટછાટ આપવામાં આવે એવી રજૂઆત કરી હતી.

મહિલા કાઉન્સિલરોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ગણેશ મંડળો દ્વારા અમોને ગણેશ ઉત્સવ દરમિયાન હોર્ડીગ લગાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. ત્યારે તેઓની લાગણીઓને માન આપીને ગણેશ ઉત્સવના 15 દિવસ દરમિયાન હોર્ડીગ લગાવવાની છૂટછાટ આપવી જોઈએ. તેમને એમ પણ જણાવ્યું હતું કે હોર્ડિંગ્સ-બેનરો દ્વારા ગણેશ મંડળોને આવાક ઉભી થતી હોય છે. આ દરમિયાન ગણેશ યુવક મંડળના અગ્રણી જય ઠાકોર અને અન્ય ગણેશ મંડળો દ્વારા સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીને ગણેશ મહોત્સવ દરમિયાન તા. 23 ઓગસ્ટથી ગણેશ વિસર્જન સુધી હોર્ડિંગ્સ- બેનરો લગાવવાની છૂટછાટ આપવામાં આવે એવી માગણી કરતુ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી.


ગણેશ મંડળના અગ્રણી જય ઠાકોરે જણાવ્યું હતું કે, ગણેશ મહોત્સવ દરમિયાન હોર્ડીગ અને બેનરો લગાવવાથી ગણેશ મંડળોને ભંડોળમા વધારો થતો હોય છે અને આ ભંડોળના કારણે ગણેશ ઉત્સવ સારી રીતે ઉજવી શકાતા હોવાથી 15 દિવસ માટે હોર્ડીગ લગાવવા માટે છૂટ આપવામાં આવે તેવી રજૂઆત આજે સ્થાયી સમિતિના ચેરમેનને કરવામાં આવી છે. ગણેશ મંડળોની રજૂઆતના અનુસંધાનમાં સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ગણેશ મંડળોની લાગણી અને માંગણી માટે સમિતિના સભ્યો તેમજ પક્ષના હોદ્દેદારો સાથે ચર્ચા- વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

Share :

Leave a Comments