- મૃત દીપડાને જોતા ગામના સરપંચે સાવલી ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી
- દીપડાના મોતનું ચોક્કસ કારણ અકબંધ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ દીપડાના મોત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે

સાવલી તાલુકાના ભાદરવા પંથકમાં આવેલા પરથમપુરા ગામની સીમમાં ખેતરની વાડ પાસે એક દીપડો મૃત હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ભાદરવા પંથકમાં છેલ્લા ઘણા સમયથી દીપડો ફરતો હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી, તેવામાં અચાનક દીપડાનો મૃતદેહ મળતાં લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.

ખેતરની વાડ પાસે દીપડો મૃત હાલતમાં પડેલો નજરે પડતા જ પરથમપુરા ગામના સરપંચ દ્વારા તાત્કાલિક સાવલી ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ સાવલી ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વિસ્તારને ઘેરી લઈને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, મૃત હાલતમાં મળેલો દીપડો અંદાજે પાંચ વર્ષનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. દીપડાના શરીર પર બહારથી કોઈ સ્પષ્ટ ઇજાના નિશાન દેખાયા નથી, જેના કારણે તેના મોતને લઈને અનેક તર્કવિતર્કો શરૂ થયા છે. હાલ દીપડાના મોતનું ચોક્કસ કારણ અકબંધ છે.
ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ દીપડાના મોત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે. આ ઘટનાને પગલે સમગ્ર ભાદરવા પંથકમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. સાથે જ વન્યજીવોની સુરક્ષા, દીપડાની હાજરી અને માનવ-વન્યજીવ સંઘર્ષને લઈને સ્થાનિક લોકોમાં ફરી એકવાર ચિંતા વ્યક્ત થઈ રહી છે.


