જ્યોર્જિયાની વર્ક પરમિટ અપાવવાના નામે વડોદરાના મહિલા ઠગ એજન્ટે 24.35 લાખની છેતરપિંડી કરી

દેવભૂમિ દ્વારકાના દિનેશભાઈ આચાર્ય (ઉં.વ. 39)એ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - A-female-fraud-agent-from-Vadodara-cheated-Rs-24-35-lakhs-in-the-name-of-getting-a-Georgia-work-permit

- કલ્યાણપુરના મહાદેવીયા ગામના દિનેશભાઇ આચાર્ય સહિત તેના મિત્રો સાથે ઠગાઈ કરનાર નટુભાઇ સર્કલ સ્થિત રિધાન ઇમિગ્રેશન સંચાલિકા સહિતના 5 આરોપી સામે ગુનો નોંધાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામના દિનેશભાઈ જીવનભાઈ આચાર્ય અને તેમના મિત્રોને જ્યોર્જિયાની વર્ક પરમીટ અપાવવાના નામે વડોદરાના મહિલા ઠગ એજન્ટ સહિત 5 શખ્સોએ મળીને 24.35 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગોરવા પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામના દિનેશભાઈ જીવનભાઈ આચાર્ય (ઉં.વ. 39)એ વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે જાન્યુઆરી-2025માં સોશિયલ મીડિયા પરની જાહેરખબરથી રિધાન ઇમિગ્રેશનનો સંપર્ક કર્યો હતો. વડોદરાના નટુભાઈ સર્કલ પાસે મીરાઝ કોમ્પ્લેક્સ, થર્ડ ફ્લોર, રૂમ નં. 302 ખાતે આવેલી આ ઓફિસે ફરિયાદી તથા તેમના પાંચ મિત્રોને બોલાવ્યા હતા.

જ્યોર્જિયામાં વેરહાઉસની નોકરીમાં રૂ. 80થી 90 હજાર પગાર તથા રહેવા-જમવાની સુવિધા મળશે. પ્રત્યેક વ્યક્તિએ વિઝા-ટિકિટ માટે રૂ. 5.50 લાખ ચૂકવવાના હોવાથી શરૂઆતમાં 50 હજાર રૂપિયાની એડવાન્સ તરીકે કુલ રૂ. 3 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. નોટરી એગ્રીમેન્ટ પણ કરાવવામાં આવ્યું હતું કે દોઢ મહિનામાં વર્ક પરમિટ મળી જશે, પરંતુ નિયત સમયે વિઝા મળ્યા નહોતા. એપ્રિલ-2025માં વિઝા આવી ગયાનું કહી વધુ રૂ. 10.50 લાખ તથા પછી રૂ. 19.50 લાખ આપ્યા હતા. જુલાઈ-2025માં જ્યોર્જિયા જવાની ટિકિટ આપી દિલ્હી બોલાવ્યા હતા, પરંતુ પાસપોર્ટ કે મૂળ વિઝા આપ્યા નહોતા અને વાયદાઓ કર્યા હતા.

યુવકે સતત પૈસા પરત માંગતાં આરોપીઓએ રૂ. 8.65 લાખ પરત કર્યા હતા, પરંતુ બાકીના રૂ. 24.35 લાખ પરત આપ્યા નથી. જેને પગલે યુવકે 5 આરોપી સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ગુનામાં મુખ્ય આરોપી રિધાન ઇમિગ્રેશનના માલિક કાજલ જોશી તથા સ્ટાફ અમર શાહ, શ્રેયા પટેલ, ચિરાયુ પટેલ અને ગૌતમ શાહનાં નામનો સમાવેશ થાય છે.

Share :

Leave a Comments