ગોરવાની આશીર્વાદ નગર સોસાયટીના મુખ્ય રસ્તા પર 15 ફૂટનો મહાકાય ભુવો પડ્યો

આપના નેતાએ આ ઘટનાને તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્કાળજીને જવાબદાર ગણાવી!

MailVadodara.com - A-15-foot-giant-landslide-fell-on-the-main-road-of-Gorwa-Ashirwad-Nagar-Society

- આમ આદમી પાર્ટીના નેતા વીરેન રામીએ કહ્યું- 'છેલ્લા 30-30 વર્ષથી ભાજપને વડોદરનું સુકાન સોંપ્યું છે, આ વખતે અમે જનતાને કહીએ છીએ કે તમારી આત્માને જગાડો'!!

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8માં ગોરવા વિસ્તારમાં આવેલી આશીર્વાદ નગર સોસાયટીના મુખ્ય રસ્તા પર 15 ફૂટ લાંબો અને 5 ફૂટ ઊંડો મહાકાય ભુવો પડ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા વીરેન રામીએ આ અંગે તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્કાળજીને જવાબદાર ગણાવી છે. તેમણે વડોદરા શહેરમાં વારંવાર પડતા ભુવાઓને લઈને વહીવટી તંત્ર અને ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ પર આકરા પ્રહારો કર્યા છે. રામીએ જનતાને પણ જાગૃત થવાની અપીલ કરી છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. આશીર્વાદ નગર સોસાયટીના મેઇન રોડ પર પડેલા આ મહાકાય ભુવાએ સ્થાનિક રહીશોમાં ચિંતા ઊભી કરી છે.


આપના નેતા વીરેન રામીએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં ભુવાઓ પડવાની ઘટનાઓ વારંવાર બની રહી છે, પરંતુ તંત્રની નિષ્કાળજીને કારણે આ સમસ્યા વધી રહી છે. તેમણે કહ્યું કે, સ્થાનિક લોકો વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી અધિકારીઓને આ અંગે જાણ કરે છે, પરંતુ તેમની વાતને અવગણવામાં આવે છે. વારંવાર વડોદરા શહેરની અંદર ભુવાઓ પડે છે, પરંતુ તંત્રની ક્યાંકને ક્યાંક નિષ્કાળજી હોય છે. ભુવાની જ્યારે શરૂઆત થાય છે ત્યારે સ્થાનિક લોકો ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને ખાસ કરીને વહીવટને જણાવતા હોય છે, વહીવટી અધિકારીઓને જણાવતા હોય છે, પણ ક્યાંકને ક્યાંક તમે જુઓ કે આ તંત્ર એ ધ્યાન નથી આપતું ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે."

અમે વડોદરા શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિનંતી કરીએ છીએ. અહીંના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફોન કરીને લોકોએ જાણ કરી છે, તેમ છતાં પણ હજુ પણ જાણે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સત્તાના મદમાં અંદર ખોવાઈ ગયા હોય એવું મારું સ્પષ્ટપણે માનવું છે."


આ વખતે આ જ ગુજરાતની જનતાએ ખોબે ખોબા ભરી મત વિધાનસભાની ગાદી આપી. છેલ્લા 30-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને વડોદરા મહાનગરપાલિકાનું સુકાન સોંપ્યું છે. ત્યારે અમે આ વખતે અમે જનતાને કહીએ છીએ કે તમારી આત્માને જગાડો. આવા ભુવાઓ પડ્યા છે ને એવા ભુવાઓ પડવાનું કારણ ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્કાળજી છે. આ ભુવાની અંદર જો કોઈ વ્યક્તિ પડ્યો હોત તો બહુ મોટી જાનહાનિ થાત એટલે અમારે ફરી એક વાર વિનંતી છે કે આગળ પણ અનેક ભુવાઓ પડ્યા છે એની પણ તાત્કાલિક અસરથી નિરાકરણ કરવું જોઈએ."

વિરેન રામીએ ચેતવણી આપી છે કે, જો આ ભુવામાં કોઈ વ્યક્તિ પડી જાય તો મોટી જાનહાનિ થઈ શકે છે. તેમણે વહીવટી તંત્રને વહેલી તકે આવા તમામ ભુવાઓનું નિરાકરણ કરવાની વિનંતી કરી છે. આ ઉપરાંત, તેમણે ગુજરાતની જનતાને અપીલ કરી કે તેઓ પોતાની આત્માને જગાડે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને જવાબદાર બનાવે.

Share :

Leave a Comments