ચાંદોદ સ્થિત મલ્હારરાવ ઘાટના 108 પૈકી 58 પગથિયાં ડૂબ્યા, નદીકાંઠાના ગામો એલર્ટ કરાયા

ચાંદોદથી પસાર થતી નર્મદા સીઝનમાં પહેલીવાર બે કાંઠે

MailVadodara.com - 58-out-of-108-steps-of-Malharrao-Ghat-in-Chandod-submerged-riverside-villages-alerted

- ચાંદોદ ખાતે નર્મદા નદીનું જળ સ્તર હજુ વધવાની શક્યતા, નાવીકોને નદીમાં ન જવા તાકીદ


સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં વધારો થયો હતો. પરિણામે નર્મદા બંધમાંથી ગતરોજ 1.37 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું, જેમાં આજે વધારો કરી ક્રમશઃ 2.50 લાખ ક્યુસેક પાણી છોડાતા વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 108 પગથિયા પૈકી 58 પગથિયા પાણીમાં જળમગ્ન થયા હતા.


સરદાર સરોવર ડેમમાથી છોડાયેલા પાણીના કારણે તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીનું જળ સ્તર હજુ પણ વધવાની શક્યતા છે. આથી, નદીકાંઠાના કરનાળી, ચાંદોદ નંદેરીયા, ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરાયા છે અને નાવીકોને નદીમાં ન જવા તાકીદ કરવામાં આવી છે.


નદીકિનારાના ગામો માટે જીવાદોરી સમાન નર્મદા નદી ચાંદોદ ખાતે સીઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી થતા પંથકવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. સરોવર બંધનાં દરવાજાના- સંચાલનને કારણે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા સરોવર બંધનાં નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે સાવચેતી રાખવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Share :

Leave a Comments