શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાઇનીઝ અને કાચથી માંજેલી દોરી વેચતાં 44 વેપારીઓની ધરપકડ કરી

ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ, સંગ્રહ તેમજ ઉત્પાદન કરનારા વેપારીઓ પર દરોડો

MailVadodara.com - 44-traders-arrested-for-selling-Chinese-and-glass-encrusted-ropes-in-different-areas-of-the-city

- પોલીસે નકલી દોરાના વેચાણના ૪ કેસો સાથે ૧૨૭ કિલો કાચનો પાવડર, ૧૦૪૪ દોરીની ફિરકીઓ સાથે રૂા.૮.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરતા વેપારીઓમાં ફફડાટ

ઉત્તરાયણ પર્વ પહેલા શહેર પોલીસ પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ, સંગ્રહ તેમજ ઉત્પાદન કરનારા વેપારીઓ પર તૂટી પડી છે. પોલીસે ત્રણ દિવસમાં જ ૪૪ વેપારીઓની ધરપકડ કરી મોટી રકમનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સમા કેનાલ પાસે પ્રિત પાર્ટી પ્લોટ નજીક બિપીનચન્દ્ર પ્રફુલચન્દ્ર જાની (રહે.પારુલપાર્ક સોસાયટી, છાણી જકાતનાકા) ચાઇનીઝ દોરીની રીલો રાખીને વેચાણ કરે છે તેવી માહિતીના આધારે શહેર ક્રાઇમ બ્રાંચે તપાસ કરતા વેપારી પાસેથી રૂા.૧૬૫૦૦ની કિંમતની ચાઇનીઝ દોરાની ૩૩ રીલો મળી હતી. પોલીસે જથ્થો કબજે કરી વેપારીની ધરપકડ કરી હતી.

આ ઉપરાંત વાઘોડિયારોડ પરિવાર ચાર રસ્તા પાસે દોરા માંજવાની દુકાને કુણાલ દીપેશભાઇ મહેતા (રહે.મૈત્રી ફ્લેટ, પરિવાર ચાર રસ્તા પાસે, વાઘોડિયા રોડ) દોરા માંજવા માટે કાચનો જથ્થો ઉપયોગમાં લે છે તેવી માહિતીના આધારે ડીસીબીએ તેને ઝડપી પાડી ૧૩ કિલો કાચનો પાવડર તેમજ કાચમાંથી માંજેલ દોરાની ૩ ફિરકી કબજે કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ માંજા, ગ્લાસ કોટેડ થ્રેડ, સિન્થેટિક કોટિંગ સાથેની પ્લાસ્ટિકની દોરી, નાયલોન થ્રેડ દોરીના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ હોવાથી તેની સામેની ઝૂંબેશના ભાગરૂપે શહેર પોલીસે કુલ ૪૩ ગુના દાખલ કર્યા છે. જેમાં નકલી દોરીના વેચાણના ૪ કેસો સાથે કુલ રૂા.૮.૧૨ લાખનો પ્રતિબંધિત સાધનો સાથેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કુલ જથ્થામાં ચાઇનીઝ દોરીની ૬૦ રીલો, કાચ લગાવેલી દોરી ભરેલી ૧૦૪૪ ફિરકી, ૧૨૭ કિલો કાચના પાવડરનો સમાવેશ થાય છે.

Share :

Leave a Comments