- અપહરણના ગુનામાં ભોગ બનેલી 17 વર્ષીય સગીરા જુલાઈ -2025થી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રહેતી હતી
- બે દિવસ પહેલાં આ કિશોરી રાત્રિના સમયે ફરાર થઈ ગઈ હતી
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી હરસિધ્ધ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ બાળ સંરક્ષણ ગૃહમાંથી 17 વર્ષીય કિશોરી ફરાર થઇ જતાં ચકચાર મચી ગઇ છે. આ સગીરા સંસ્થાની પાછળ આવેલા ઝાડ પર ચડીને નીચે કૂદકો મારીને ભાગી છૂટી હતી, જેથી હોમની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સુપ્રિટેન્ડન્ટની ફરિયાદના આધારે ગોરવા પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કિશોરી અપહરણના ગુનાનો ભોગ બની હતી અને વાઘોડિયા પોલીસની કાર્યવાહી બાદ તેને 24 જુલાઈ 2025ની રાત્રે આ સંસ્થામાં સુરક્ષા અને સંભાળ માટે મૂકવામાં આવી હતી.
સંસ્થાના સુપ્રિન્ટેન્ડેન્ટ હેતાશ્રી બ્રહ્મભટ્ટે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 10મી ડિસેમ્બરે સ્ટાફની નજર ચૂકવીને આ કિશોરી સંસ્થાની દીવાલ ઉપર ચડી ગઈ હતી અને ત્યાંથી ઝાડ પર જઈ કૂદકો મારીને બહાર નીકળી ગઈ હતી. સ્ટાફને જાણ થતાં તુરંત જ સંસ્થાની આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બે દિવસ વીતી ગયા છતાં કિશોરીનો કોઈ પત્તો લાગ્યો નથી. આ સંસ્થા ફક્ત ગુનાહિત કેસોનો ભોગ બનેલી અથવા અનાથ બાળકીઓને જ જિલ્લા બાળ કલ્યાણ સમિતીના આદેશ મુજબ રાખવામાં આવે છે અને તે ગાંધીનગરના નિયામક, સમાજ સુરક્ષા ખાતાના સીધા નિયંત્રણ હેઠળ કાર્યરત છે. ઘટનાની જાણ થતાં જ ગોરવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેથી સગીરા કઈ દિશામાં ગઈ તેની માહિતી મળી શકે. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસવા સાથે આસપાસના વિસ્તારમાં પણ શોધખોળ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત, વિસ્તારના રીક્ષા ચાલકો સહિતના લોકોની પૂછપરછ કરીને સગીરા વિશેની માહિતી મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. સગીરાને વહેલીતકે શોધી કાઢવા માટે પોલીસની ટીમો કામે લાગી છે. જોકે, હજુ સુધી કિશોરીનું કોઈ અત્તોપત્તો મળ્યો નથી.


