- મેસના પ્રથમ દિવસે ભોજન લીધા બાદ મોડીરાત્રે પેટમાં દુખાવાની ફરિયાદ ઊઠી
- હાલ સયાજી હોસ્પિટલના વિવિધ પાંચ વોર્ડની અંદર તમામ વિદ્યાર્થિનીઓને દાખલ કરાઇ
- હાલમાં એફએસએલ અને આરોગ્ય વિભાગની ટીમોએ મેસમાં ખાતે જઇ તપાસ હાથ ધરી
વડોદરાની MS યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 124 વિદ્યાર્થિનીને ફૂડ-પોઈઝનિંગની અસર થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં હાલ તમામની હાલત સ્થિર છે. કેટલીક વિદ્યાર્થિનીઓને પ્રાથમિક સારવાર અપાયા બાદ રજા પણ આપી દેવામાં આવી છે. 350 વિદ્યાર્થિનીને ભોજન લીધા બાદ મોડીરાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો. ત્યાર બાદ 124 તેમને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં તેમની સ્થિતિ સ્ટેબલ છે. યુનિવર્સિટીના એસ.ડી હોલમાં મોટા ભાગની વિદ્યાર્થિનીઓને ઝાડા-ઊલટી થતાં હતાં. તબિયત લથડતાં તમામને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 124 વિદ્યાર્થિનીને સયાજી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખીર, પનીર અને દાળ-ભાત જમ્યા બાદ 350 વિદ્યાર્થિનીને મોડીરાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો.

આ અંગે કેરળની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે મેં રાત્રે હોસ્ટેલમાં ભોજન લીધું હતું, જેમાં પનીર ભુરજી, ખીર, રોટલી અને ભાત ખાધાં હતાં. રાત્રે એક વાગ્યા પછી તબિયત લથડી હતી અને પેટમાં ખૂબ જ દુખતું હતું. હું હંસા મહેતા ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું.
MS યુનિવર્સિટીના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતી દિલ્હીની વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે મારું નામ માનુષી છે. ગઈકાલે જ અમારું મેસ ખૂલ્યું હતું અને બધાએ ત્યાં ભોજન લીધું હતું, જે કોઈ લોકોએ ત્યાં ભોજન લીધું હતું તે તમામને ફૂડ-પોઇઝનિંગની અસર થઈ છે. જમવામાં પનીર ભુરજી, દાળ-ભાત ,રોટલી હતી. એમાં રોટલીની ક્વોલિટી ખૂબ જ ખરાબ હતી. શાકમાં મને કઈ લાગ્યું નહોતું અને મેં ખીર ખાધી નથી, પરંતુ મને રોટલીમાં ખૂબ જ ગડબડ લાગતી હતી. રાત્રે એક વાગ્યા બાદ પેટમાં ખૂબ જ દુખાવો થયો હતો અને ઝાડા થઈ ગયા હતા, સાથે જ વોમિટિંગ થઈ રહી હતી. આ સાથે જ વોર્ડનને જાણ કરતાં અમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં.
આ અંગે ફૂડ સેફ્ટી ઓફિસર વિ.એચ.નિસર્કતાએ જણાવ્યું હતું કે હાલમાં આરોગ્ય વિભાગની ટીમો આ મેસ ખાતે પહોંચી છે, અહીં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે, જેને લઈ અમે નોટિસ આપીશું. હાલમાં ત્રણ ફૂડ-ઇન્સ્પેક્ટર કામ કરી રહ્યા છે અને વિવિધ નમૂના એકત્રિત કરવામાં આવી રહ્યા છે, સાથે FSL ટીમ પણ સ્થળ પર કામગીરી કરી રહી છે.

આ અંગે MS યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ-ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે યુનિવર્સિટીના એસ.ડી હોલમાં જમ્યા બાદ આ ઘટના બની છે. ચાર હોલની દીકરીઓ મેસમાં જમી હતી. ત્યાર બાદ 300થી વધુ વિદ્યાર્થિનીઓમાંથી 70થી 80 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડતાં સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ગઈકાલે પહેલો દિવસ હતો. 15થી 20 વિદ્યાર્થિનીઓને ડિસ્ચાર્જ કરવામાં આવી છે અને તમામની સ્થિતિ હાલ સારી છે. તેમણે રાત્રે પનીરની સબ્જી અને દાળ-ભાત, પાપડને બધું ખાધું હતું. આ બાબતે મેસમાં શું સ્થિતિ છે એ ચકાસી અને કાર્યવાહી કરીશું.
આ અંગે સયાજી હોસ્પિટલના આરએમઓ ડો. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન લીધા બાદ સયાજી હોસ્પિટલમાં ઊલટીની કમ્પ્લેન સાથે 89 જેટલી વિદ્યાર્થિનીને અહીં લાવવામાં આવી હતી. તમામને હાલમાં દાખલ કરવામાં આવી છે અને સારવાર આપવામાં આવી રહી છે અને તમામની સ્થિતિ સારી છે. તેમણે ખીર અને પનીરની સબ્જી ખાધી હોવાની વાત કરી રહ્યાં છે. હાલમાં સયાજી હોસ્પિટલના વિવિધ પાંચ વોર્ડની અંદર તમામ વિદ્યાર્થિનીઓને દાખલ કરવામાં આવી છે.


