મનપાની વેરા વળતર યોજનાનો 1.39 લાખ લોકોએ લાભ લીધો, 104.98 કરોડની માતબર આવક થઇ

વડોદરા પાલિકાની વેરા વળતર યોજના અંર્તગત નાગરિકોએ 7.28 કરોડનું વળતર મેળવ્યું

MailVadodara.com - 1-39-lakh-people-availed-the-benefit-of-the-Municipal-Corporations-tax-rebate-scheme

- કરદાતાઓએ 82.63 કરોડ ઓનલાઇન અને 22.35 કરોડ ઓફલાઈન વેરો ભર્યો

- પાલિકા દ્વારા વળતરનો લાભ લેવા 24 જુલાઈ સુધીમાં વેરો ભરી દેવા અપીલ કરવામાં આવી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવેરાની આવકમાં વધારો થાય તે માટે કરદાતાઓ માટે આકર્ષક વળતર યોજના અમલી કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓ માટે શરૂ કરવામાં આવેલી પ્રોત્સાહક એડવાન્સ રિબેટ યોજનાને શહેરીજનો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને નાગરિકો લાભ મેળવવા માટે ઓનલાઇન તેમજ ઓફલાઈન બંનેમાં વેરો ભરી વળતર મેળવી રહ્યા છે.

ચાલુ નાણાકીય વર્ષ 2026-27 અંતર્ગત 15 જુલાઈ 2026 સુધીમાં જ પાલિકાને મિલકત વેરા પેટે કુલ રૂ.104.98 કરોડની માતબર આવક થઈ ચૂકી છે. આ યોજના હેઠળ વડોદરાના જાગૃત કરદાતાઓને- વ્યાપક પ્રમાણમાં રિબેટનો લાભ આપવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધીમાં નાગરિકોએ કુલ રૂ. 7.28 કરોડની બચત અથવા વળતર મેળવ્યું છે. પાલિકા દ્વારા આ લોકઉપયોગી યોજનાનો લાભ લેવાની અંતિમ તારીખ આગામી 24 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી છે, જેથી હજુ પણ બાકી રહેલા કરદાતાઓ આ યોજનાનો મહત્તમ લાભ ઉઠાવી શકશે.

આ યોજનાની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું છે કે, વર્ષ 2026-27નો મિલકત વેરો સમયસર અને એડવાન્સમાં ચૂકવનારા રહેણાંક મિલકતના માલિકોને 10% વળતર આપવામાં આવી રહ્યું છે, જ્યારે બિન-રહેણાંક એટલે કે વ્યાવસાયિક મિલકતો ધરાવતા કરદાતાઓને 5% વળતર મળવાપાત્ર છે. આ ઉપરાંત ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન પેમેન્ટ કરનારા તમામ લોકોને વધારાનું 1% વળતર પણ આપવામાં આવી રહ્યું છે. વડોદરાના નાગરિકોએ આ ડિજિટલ સુવિધાનો મોટો લાભ લીધો છે, જેના ભાગરૂપે 1,05,265 કરદાતાઓએ ઘરબેઠા ઓનલાઈન માધ્યમથી કુલ રૂ. 82.63 કરોડનો વેરો ભર્યો છે. તેની સામે ઓફલાઈન માધ્યમ એટલે કે વોર્ડ ઓફિસ કે બેંકો પર જઈને વેરો ભરનારા કરદાતાઓની સંખ્યા 33,962 નોંધાઈ છે, જેમણે કુલ રૂ. 22.35 કરોડ ચૂકવ્યા છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એડવાન્સ ટેક્સ રિબેટ યોજના પૂર્ણ થયા બાદ, ઓગસ્ટ 2026 દરમિયાન નિયમિત વેરાબિલ મોકલવાની અને તેની વસૂલાત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આથી, શહેરીજનોને વ્યાજ અને દંડથી બચવા તેમજ સરકારી યોજના હેઠળ મળતા વળતરનો સીધો આર્થિક ફાયદો મેળવવા માટે 24 જુલાઈ પહેલાં પોતાનો વેરો જમા કરાવી દેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા કરદાતાઓની સરળતા માટે ઓનલાઈન પોર્ટલ વધુ સક્ષમ બનાવવામાં આવ્યું છે જેથી નાગરિકો કોઈપણ વિલંબ વગર સરળતાથી ચૂકવણી કરી શકે.

Share :

Leave a Comments