વડોદરામાં દંપતી અને તેમની દીકરીને વર્ક વિઝા પર કેનેડા મોકલવાના નામે ભેજાબાજે 5.58 લાખ રૂપિયા પડાવ્યા હતા અને ત્યારબાદ કેનેડા મોકલ્યા નહોતા. જેથી આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ વ્રજ વાટિકા સોસાયટીમાં રહેતા 37 વર્ષીય ભાવિતાબેન જિગ્નેશભાઈ પટેલે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારે, મારા પતિ અને મારી દીકરીને વિદેશમાં કામ માટે જવાનું હોવાથી તેમણે ફેસબુક પર ઓવરસીઝ ગેટવે નામની ઓફિસની જાહેરાત જોઈ હતી, જે વડોદરાના વડીવાડી સ્થિત નેપ્ચ્યુન એજમાં 10માં માળે આવેલી હતી. આ ઓફિસ વર્ક પરમિટ વિઝા સંબંધિત કામ કરે છે એવું જાહેરાતમાં જણાવાયું હતું.
ફેબ્રુઆરી 2024માં ભાવિતાબેન તેમના પતિ અને તેમની દીકરી ઝીલ માટે કેનેડાના વર્ક પરમિટ વિઝા મેળવવા આ ઓફિસે ગયા. ત્યાં તેમને ઓવરસીઝ ગેટવેના ડાયરેક્ટ ગગનદીપસિંહ અમરપ્રીતસિંહ મળ્યા હતા. તેમણે કેનેડા વર્ક પરમિટ માટે 13 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. આ ખર્ચ યોગ્ય લાગતાં ફરિયાદીએ જરૂરી દસ્તાવેજો આપ્યા અને પ્રક્રિયા શરૂ કરી હતી. ત્યારબાદ 05/02/2024ના રોજ રૂ. 4,50,000 રોકડા આપ્યા હતા. 16/04/2024ના રોજ રૂ. 50,000 ઓનલાઇન ટ્રાન્સફર કર્યાં હતા. 08/03/2024ના રોજ અમદાવાદની K.D. હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે રૂ. 14,000 ઓનલાઈન ચૂકવ્યા હતા.
વિઝા એપ્લિકેશન ફી તરીકે 730 કેનેડિયન ડોલર (અંદાજે રૂ. 44,291) ચુકવ્યા હતા. આમ કુલ રૂ. 5,58,291 ચૂકવી દીધા હતા. ગગનદીપસિંહે એગ્રીમેન્ટ કરીને 90 દિવસમાં વિઝા પ્રક્રિયા પૂર્ણ થશે એવો વિશ્વાસ અપાવ્યો હતો. માર્ચ 2024માં ગગનદીપસિંહે જણાવ્યું હતું કે વિઝા એપ્લિકેશન રદ્દ થઈ ગઈ છે અને ફરીથી પ્રક્રિયા કરવી પડશે, જેમાં વધુ ખર્ચની માંગણી કરી હતી. જેથી મહિલાએ તેમણે ચૂકવેલા નાણાં પરત માગ્યા હતા. જેથી તેમણે રૂ. 4,75,000નો ચેક આપ્યો હતો. જે બાઉન્સ થયો હતો. આ અંગે મહિલાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી, પરંતુ ગગનદીપ સિંહની ઓફિસ અને નિવાસસ્થાન બંધ હોવાથી નોટિસની બજવણી થઈ શકી નથી.