દોઢ મહિનાથી પાણીની સમસ્યાથી ત્રસ્ત ગેંડા ફળિયાની મહિલાઓનો રસ્તો રોકી હોબાળો

હાથીખાના વિસ્તારમાં આવેલ ગેંડા ફળિયામાં છેલ્લા ઘણા સમયથી પાણીની ખૂબ સમસ્યા

MailVadodara.com - Women-of-Genda-Phalia-who-have-been-suffering-from-water-problems-for-a-month-and-a-half

- મહિલાઓએ મુખ્ય માર્ગ પર ઉતરી રસ્તો બંધ કરી `કોર્પોરેશન હાય... હાય...'ના નારા લગાવ્યા

- સ્થાનિક પોલીસે તેઓને સમજાવીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો


શહેરના ફતેપુરા વિસ્તારમાં ગેંડા ફળિયામાં છેલ્લા દોઢ મહિનાથી ખૂબ જ ઓછા પ્રેશરથી પાણી આવતું હોવા મામલે આજે અહીંની મહિલાઓ વિફરી હતી અને રસ્તા રોકી ચક્કાજામ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલ ગેંડા ફળિયામાં છેલ્લા ઘણા સમયથી પાણીની ખૂબ સમસ્યા છે. 

આ મામલે સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, અમારે રમઝાન મહિના દરમિયાન લગભગ આખો મહિનો ખૂબ ઓછા પ્રેશરથી પાણી આવ્યું હતું અને ખૂબ ઓછા સમય માટે પાણી વિતરણ કરાયું હતું. આ મામલે અમે ભાજપના સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરી હતી પરંતુ અમારી સમસ્યાનું નિવારણ આવ્યું નથી. અમે વારંવાર રજૂઆત કરતા આવ્યા છીએ. પાણીની આપદા ટાળવા માટે બહારથી ટેન્કર મંગાવીએ તો ટેન્કર દ્વારા રૂપિયા 500 લેવામાં આવે છે તે ગરીબ પરિવારોને કેવી રીતે પોસાય? આખરે કંટાળીને મહિલાઓ આજે મુખ્ય માર્ગ પર ઉતરી આવી હતી અને તેઓએ અહીં રસ્તો બંધ કરાવી ચક્કાજામ કરવા સાથે હાય... હાય ના નારા પોકાર્યા હતા. 

મહિલાઓએ જણાવ્યું હતું કે, અમારે ત્રીજે માળ પાણી લઈને જવાનું હોય વારંવાર પાણી ઓછું આવે ત્યારે ખૂબ આપદા પડે છે. દિવસ દરમિયાન સાવચેતીપૂર્વક પાણીનો ઉપયોગ કરવા સાથે નાહવા માટે પણ ઘણીવાર પાણી ખૂટી પડતું હોય છે. તંત્ર તાત્કાલિક ધોરણે અમારી સમસ્યાનું નિવારણ લાવે તેમ જણાવી મહિલાઓએ રસ્તો બંધ કરતા અહીં દોડી આવેલી સ્થાનિક પોલીસે તેઓને સમજાવીને બાજુમાં કરી હતી અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

Share :

Leave a Comments