આવતીકાલે મહિલાઓની ક્વિન્સ મેરેથોન યોજાશે સાંજે 6 વાગ્યાથી મેરેથોનના 20 રૂટ બંધ કરાયા

મેરેથોન માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી

MailVadodara.com - Women-Queens-Marathon-to-be-held-tomorrow-20-marathon-routes-closed-from-6-pm

- અકોટા-દાંડિયાબજાર બ્રિજ સોલાર પેનલ ખાતેથી રાતે 9 કલાકે મહારાણી રાધિકા રાજે ગાયકવાડની ઉપસ્થિતિમાં આ ક્વિન્સ મેરેથોનનું ફ્લેગ ઓફ કરાશે

આવતીકાલે (15 ડિસેમ્બર) 'સેફ (સુરક્ષિત) વડોદરાના શીર્ષક હેઠળ એમ. જી. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન દ્વારા મહિલાઓ માટેની 4.5 કિ.મીની 'ક્વિન્સ મેરેથોન'નું આયોજન કરવામાં આવ્યું છે. અકોટા દાંડિયાબજાર બ્રિજ સોલાર પેનલ ખાતેથી રાતે 9 કલાકે મહારાણી રાધિકા રાજે ગાયકવાડની ઉપસ્થિતિમાં આ ક્વિન્સ મેરેથોનનું ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ દરમિયાન દેશનું ગૌરવ એવી કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલિસ્ટ અને પોલીસ વુમન લજ્જા ગોસ્વામી પણ ફ્લેગઓફ માટે જોડાશે. આ મેરેથોન માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.


આ અંગે વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીને જણાવ્યું હતું કે, આ ક્વિન્સ રન સાથે અમે વડોદરામાં મહિલાઓ સહિત તમામ વડોદરા વાસીઓ સુરક્ષિત છે અને પોલીસ કાયદાનું પાલન કરી આપણી સુરક્ષા માટે કટિબધ્ધ છે તે વિશે સંદેશો આપીશું. મહિલા મેરેથોન યોજવાનો અર્થ એ હતો કે, આજે મહિલાઓની સુરક્ષા વિશે સવાલો ઊભા થાય છે, ત્યારે અમે કહી શકીએ કે વડોદરામાં મહિલાઓ ખૂબ સુરક્ષિત છે. રાત્રે બે વાગ્યે પણ મહિલાઓ નિર્ભય બની પોતાના કામ અર્થે નિકળી શકે છે, જે દર્શાવે છે કે, વડોદરા એક સુરક્ષિત શહેર છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ મેરેથોનમાં મહિલાઓ મોટી સંખ્યામાં ભાગ લઈ સેફ (સુરક્ષિત) વડોદરાનોનો સંદેશ ફેલાવશે. આ સાથે પોલીસ વિભાગની મહિલા કર્મચારીઓ અને શી ટીમ પણ આ ક્વિન્સ મેરેથોનમાં જોડાશે. ક્વિન્સ મેરેથોન દરમિયાન મેરેથોનના રૂટ પર ગુલાબી રંગની ટી શર્ટમાં દોડતી વડોદરાની ક્વિન્સ (મહિલાઓ) ભારે આકર્ષણ જમાવશે. આ મેરેથોનમા 3 હજાર જેટલી મહિલાઓ ભાગ લે તેવો અંદાજ છે. આ ક્વિન્સ મેરેથોનમાં વડોદરાને સુરક્ષિત રાખવામાં અગ્રેસર વડોદરા પોલીસની સુરક્ષા સેતુ, શી ટીમ અને મહિલા પોલીસ કર્મીઓ પણ જોડાશે.


ક્વિન્સ મેરેથોન અંગે જણાવતા વડોદરા ટ્રાફિક પોલીસના ડીસીપી જ્યોતિ પટેલ તેમજ શી ટીમના ઈનચાર્જ ભાવના પટેલે જણાવ્યું હતું કે, શી ટીમ કી એક હી ઈચ્છા, સમ્માન કે સાથ નારી કી સુરક્ષાના સ્લોગન સાથે સુરક્ષિત મહિલાઓ અને સુરક્ષિત વડોદરાના સંદેશ સાથે આ ક્વિન્સ મેરેથોનમાં પોલીસની શી ટીમની મહિલા પોલીસ કર્મીઓ પણ જોડાશે. શી ટીમ નામકરણ પાછળ (S=sevice, H=Humanity, E=Empathy)નો સંદેશ આપવામાં આવ્યો છે.

ક્વિન્સ મેરેથોન રાત્રે 9 કલાકે અકોટા દાંડિયાબજાર બ્રિજ સોલારથી શરૂ થઈ કોઠી ચાર રસ્તાથી રાવપુરા રોડ થઈ ટાવર ચાર રસ્તાથી જયુબિલી બાગ થઈ પદ્માવતી શોપિંગ સેન્ટરથી મ્યુઝિક કોલેજ રોડ થઈ દાંડિયા બજાર ચાર રસ્તા થઈ પરત સોલાર પેનલ ખાતે આવી પૂર્ણ થશે. આ મેરેથોન દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા રવિવારે સાંજે 6 વાગ્યાથી મેરેથોન રૂટ તરફના 20 રૂટ બંધ કરવામાં આવ્યા છે અને વાહન-વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. તે અંગેનુ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


Share :

Leave a Comments