- વડોદરા શહેરમાં અને શહેર નજીક આવેલા વિવિધ ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટમાં મંગળવારે સાંજે નવા વર્ષની ઉજવણીનું ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું
વડોદરા શહેરમાં અને શહેર નજીક આવેલા વિવિધ ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટમાં મંગળવારે સાંજે નવા વર્ષની ઉજવણીનું ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્ટરનેશનલ ડીજેના તાલે પણ યુવાધન મન મૂકીને ઝૂમી ઉઠ્યું હતું. રાત્રિના 12ના ટકોરે નવ યુવાન યુવતીએ અનોખી રીતે નવા વર્ષ 2025 ના વધામણા કર્યા હતા.વડોદરા શહેરના વિવિધ ફાર્મ હાઉસમાં અને પાર્ટી પ્લોટમાં થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશનનો માહોલ 800 વાગ્યાથી જામી ગયો હતો. શહેરના જોરાવર એરેસ્ટ, વાઘેશ્વરી ફાર્મ, એરેના લોન્સ, વેદાલોન્સ પેરેડાઇઝ અને લક્ષ્મી સ્ટુડિયોમાં પણ નેશનલ ઈન્ટરનેશનલ ડીજેના મ્યુઝિક ઉપર સેકડો યુવાનો હિન્દી અંગ્રેજી પાર્ટી સોંગ્સના તાલે મોડી રાત સુધી ઝૂમી ઉઠ્યા હતા. મોટી હોટલમાં 31stની સ્પેશ્યલ પાર્ટીનું પણ આયોજન કરાયું હતું. સોંગ અને મ્યુઝિકની સાથે ખાણીપીણીના જલસા પણ મોડી રાત સુધી જામ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ફાર્મહાઉસ, પાર્ટી પ્લોટ, રેસ્ટોરન્ટ, કાફે અને હોટલ મળી કૂલ 10 સ્થળે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે ગ્રામ્ય પોલીસ દ્વારા નવા વર્ષની ઉજવણીને ધ્યાને રાખી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને ધ્યાનમા રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ અર્થે વડોદરા ગ્રામ્ય જિલ્લામાં આવેલા ફાર્મહાઉસ, હોટલ, રિસોર્ટ અને કાફે વગેરે કુલ 211 સંચાલક સાથે મિટિંગનું આયોજન કરી તમામને જરૂરી સૂચનો આપી નવા વર્ષને આવકારવા માટે જે પાર્ટીનું આયોજન કરનાર હોય તો એ અંગે જરૂરી મંજૂરી મેળવવા તેમજ કેફી પીણું કે ડ્રગ્સનો નશો કરીને પાર્ટી આયોજન કરવામાં ન આવે એ અંગે સૂચના આપવામાં આવી હતી.