- પાણીના વેડફાટની સાથે આ રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકો પરેશાન થઇ ગયા
શહેરના ગોત્રી હરીનગર બ્રિજ પાસે પાણીની લાઇન લીકેજ થતાં રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. કલાકો સુધી લાઇન લીકેજ બંધ ન કરાતાં હજારો લિટર પાણી ગટરમાં વહી ગયું હતું. પાણીના વેડફાટની સાથે આ રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકો પરેશાન થઇ ગયા હતા.
શહેરના લોકો એક તરફ પાણી વિના વલખાં મારી રહ્યા છે, તો બીજી બાજુ પાલિકાની આડેધડ કામગીરીના કારણે પાણીની લાઇનો લીકેજ થવાથી પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પણ લોકો પાણી માટે ટળટળી રહ્યા છે. લોકોને પીવાનું ચોખ્ખુ અને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી.
શહેરીજનો કમરતોડ વેરો ભરવા છતાં પાલિકા દ્વારા પૂરતી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી. આજે શહેરના ગોત્રી હરિનગરબ્રિજ પાસે પાણીનો વાલ્વ લીકેજ થતા માર્ગ પર પીવાનું ચોખ્ખું પાણી વેડફાઈ ગયું હતું. લોકોનું કહેવું છે કે, છેલ્લા ચાર પાંચ દિવસથી પાણી વિતરણના સમયે આ વાલ્વ લીકેજ હોવાથી પીવાનું ચોખ્ખું પાણી રોડ પર વહી રહ્યું છે.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, માર્ગ પર પાણી ફરી વળતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. ઘણા ચાલકો સ્લીપ ખાઈ રહ્યા છે. ત્યારે સત્વરે અહીં રિપેરિંગની કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.