- ૫૦ ટકા મહિલા અનામત સાથે અન્ય અનામત બેઠકો માટે સ્પર્ધા રહેશે
- વાઘોડિયા નગરપાલિકામાં માડોધર અને ટીંબી ગામનો સમાવેશ
ગ્રામ પંચાયતોની બાકી રહેલી ચુંટણીની જાહેરાત ગમે તે ઘડીએ થઈ શકે છે ત્યારે વડોદરા જિલ્લાની પાંચમી નગરપાલિકા તરીકે વાઘોડિયા નગરપાલિકાની ચૂંટણી પણ આ સાથે યોજાશે. વાઘોડિયા નગરપાલિકાના છ વોર્ડમાં ૨૪ બેઠકો માટે ચૂંટણી યોજાશે.
ગ્રામ પંચાયતોની બીજા તબક્કાની ચુંટણીની જાહેરાત ગમે તે ઘડીએ થઈ શકે એમ છે. ગત ૧૭ ઓગસ્ટ ના રોજ વાઘોડિયા નગરપાલિકાની જાહેરાત થયા બાદ હવે નગરપાલિકાના વોર્ડની રચના કરવામાં આવે છે. વાઘોડિયા નગરમાં છ વોર્ડની રચના કરવામાં આવતા વોર્ડ દીઠ ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે. ૨૪ બેઠકો પૈકી ૫૦ ટકા એટલે કે ૧૨ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. આ સિવાય SC, ST સહિત અન્ય કેટલીક બેઠકો પણ અનામત રહેશે. વાઘોડિયા નગરપાલિકાની રચના વર્ષ ૨૦૧૧ ની અંદાજે ૨૨ હજારની વસ્તી ને ધ્યાને લઇ કરવામાં આવી છે. જો કે હાલમાં વાઘોડિયાની હાલની વસ્તી અંદાજે ૪૦ હજાર કરતાં વધુ ની છે. જેમાં કુલ ૧૬ હજાર કરતાં વધુ મતદારોનો સમાવેશ થાય છે. વાઘોડિયા નગરપાલિકાની ચૂંટણીમાં બે ગામ માડોધર અને ટીંબી ને પણ સમાવી લેવામાં આવ્યા છે. વાઘોડિયા નગરપાલિકાની ચુંટણીનો મુસદ્દો તૈયાર કરતા અગાઉ તમામ રાજકીય પક્ષોના વાંધા-સૂચનોની સુનવણી પણ થઈ ચૂકી છે. વાઘોડિયા વડોદરા જિલ્લામાં ડભોઇ, સાવલી, કરજણ અને પાદરા બાદ પાંચમી નગરપાલિકા તરીકે અસ્તિત્વમાં આવશે. નગરપાલિકા થવાથી વાઘોડિયાના વિકાસને વેગ મળશે એવું રાજકીય પંડિતોનું માનવું છે. રાજ્યમાં નખત્રાણા, ટંકારા અને વાઘોડિયાને નગરપાલિકામાં સમાવવાની માંગ હતી. જેમાં નખત્રાણા અને વાઘોડિયાની ચુંટણીની માંગ સરકારે મંજૂર કરતા હવે બને નગરપાલિકાઓમાં ચૂંટણી થશે. અત્રે ઉલલેખનીય છે કે વાઘોડિયા છેલ્લા ઘણા દાયકાઓથી ભાજપનો ગઢ રહ્યો છે ત્યારે આગામી ચૂંટણીમાં કોણ સત્તા પર આવશે એ જોવું રહ્યું...