- વિદ્યાર્થીઓને યુનિફોર્મ, સ્ટેશનરી, પુસ્તકો તેમજ નાસ્તો ખરીદવામાં દબાણ કરવુ અને લાયકાત વગરના શિક્ષકોની ભરતી કર્યાનું સામે આવતા DEOએ કાર્યવાહી કરી
વડોદરાની વિબગ્યોર સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવતા વાલીઓએ DEO ઓફિસ ખાતે FRCમાં રજૂઆત કરી હતી. જેને પગલે તપાસ કર્યા બાદ ઇન્ચાર્જ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેએ વિબગ્યોર સ્કૂલને 30,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
વાલીઓની માંગ હતી કે, વર્ષ 2017થી FRC લાગૂ કરવામાં આવી છે. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ સ્કૂલમાં પેરેન્ટ્સ અને સ્કૂલ વચ્ચે આ બાબતે રજૂઆત ચાલે છે. વર્ષ 2021થી FRCની ફી શું હોય છે? તે પણ ખબર આપવામાં આવતી ન હતી. અહીંયા FRC મુજબ ફી લેવામાં આવતી નથી અને વધુ વસૂલવામાં આવતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે સ્કૂલમાં વેચાતા પુસ્તકો અંગેની રજૂઆતને લઈ આજે કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઈને ડીઇઓ કચેરીના અધિકારીઓએ સ્કૂલની મુલાકાત લીધી હતી. જેમાં વિબગ્યોર સ્કૂલે સરકારનાં નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું બહાર આવ્યું હતું. સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ પહેરવાં દબાણ કરવામાં આવ્યું હતું.અને ચોક્કસ સ્થળેથી જ યુનિફોર્મ, પુસ્તકો ખરીદવા ફરજ પાડી હતી. આ ઉપરાંત લાયકાત વગરનાં શિક્ષકોની ભરતી કર્યાનું સામે આવ્યું હતું.
ઇન્ચાર્જ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેએ જણાવ્યું હતું કે, વિબગ્યોર સ્કૂલ સંદર્ભે વાલીઓ ફરિયાદ લઈને આવ્યા હતા. જેને લઈને અધિકારીઓની ટીમ તપાસ માટે સ્કૂલમાં ગઇ હતી. જેમાં પ્રથમ દૃષ્ટિએ સ્કૂલની અનિયમિતતા જણાઈ હતી. જેથી રિપોર્ટના આધારે શાળા વિરુદ્ધ કલમ નંબર - 17 પ્રમાણે વિદ્યાર્થીઓને યુનિફોર્મ, સ્ટેશનરી, પુસ્તકો અને નાસ્તો ખરીદવામાં દબાણ કરવું, આ ઉપરાંત કલમ નંબર - 19 સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન ન કરવા બાબત, કલમ નંબર 23 લાયકાત વગરના શિક્ષકો, આ ત્રણ કલમો પ્રમાણે શાળાને 30 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, CBSE હોય કે ગુજરાત બોર્ડની સ્કૂલે સરકારના નિયમનું પાલન નહીં કરવામાં આવે, તે સ્કૂલની સામે સરકારના નિયમો પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, CBSE કે ઇન્ટરનેશનલ સ્કૂલ હશે તો તેની NOC રદ્દ કરવા માટે ભલામણ કરવામાં આવશે.