- આજે `યુદ્ધવાળું સાયરન' વાગશે, જેથી લોકોને જણાવી શકાય કે યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં શું કરવું
- દુશ્મનના હુમલાઓ દરમિયાન આત્મસુરક્ષાનું પ્રશિક્ષણ અપાશે, મહત્ત્વની જગ્યાઓને છુપાવવા વ્યવસ્થા કરાશે, જિલ્લાના દરેક ગામોમાં સરપંચો-નાગરિકોને આ કવાયતમાં જોડવામાં આવશે
- મંજુસર જી.આઈ.ડી.સી, ઓ.એન.જી.સી.મકરપુરા અને શહેરમાં ઈનઓરબિટ મોલ ખાતે મોકડ્રિલ યોજવામાં આવશે, નાગરિકોને જરૂરી તાલીમ પણ આપવામાં આવશે
કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારની સૂચના મુજબ નાગરિક સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે આજે તા. 7 મેના રોજ વડોદરા શહેર જિલ્લામાં યોજાનાર સિવિલ ડિફેન્સ મોકડ્રિલના આયોજન અંગે કલેક્ટર ડો.અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
વડોદરા શહેર જિલ્લામાં આજે તા. 7 મેના રોજ સાંજના 4 કલાકથી રાત્રિના 8 કલાક સુધી મોકડ્રિલ યોજાશે. આ દરમિયાન શહેર જિલ્લામાં રાત્રિના 7.30 કલાકથી 8 કલાક દરમિયાન કેટલાક સમય બ્લેકઆઉટ (અંધારપટ) છવાશે. શહેર જિલ્લાના નાગરિકોને આ સમય દરમિયાન પોતાના ઘર, ઓફિસ, ઉદ્યોગ ગૃહો, કારખાના કે દુકાનો, વાહનોની લાઈટ બંધ રાખવા નાગરિક સુરક્ષાના આ પગલામાં સહયોગ આપવા જિલ્લા પ્રસાશન દ્વારા અપીલ કરવામાં આવી છે.
આજે અચાનક કોઈ ભારે અને ડરામણો અવાજ સંભળાય તો ડરશો નહીં. આ કોઈ ઈમરજન્સી સ્થિતિ નહીં, પરંતુ એક મોકડ્રિલ એટલે કે યુદ્ધ જેવી સ્થિતિની તૈયારીનો અભ્યાસ છે. આ દરમિયાન 'યુદ્ધવાળું સાયરન' વાગશે, જેથી લોકોને જણાવી શકાય કે યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં શું કરવાનું હોય છે.
કલેકટર ડો.અનિલ ધામેલિયાએ નાગરિકોની સુરક્ષા માટે ઓપરેશન અભ્યાસ મોકડ્રિલ યોજવામાં આવ્યું છે. તેમણે દરેક અધિકારીઓને સંકલન સાથે કામગીરી કરવા જણાવ્યું હતું. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ નાગરિકોમાં કોઈપણ જાતના ડર વગર જાગૃતતા ફેલાવાનો છે. આ મૉકડ્રિલમાં હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરનને સક્રિય કરવામાં આવશે. નાગરિકો અને વિદ્યાર્થીઓને દુશ્મનના હુમલાઓ દરમિયાન આત્મસુરક્ષાનું પ્રશિક્ષણ અપાશે.
તેમણે ઉમેર્યું કે, મંજુસર જી.આઈ.ડી.સી, ઓ.એન.જી.સી.મકરપુરા અને શહેરમાં ઈનઓરબિટ મોલ ખાતે મોકડ્રિલ યોજવામાં આવશે. જિલ્લાના દરેક ગામોમાં સરપંચો અને નાગરિકોને પણ આ કવાયતમાં જોડવામાં આવશે. બ્લેકઆઉટ (અંધારપટ)ની વ્યવસ્થા કરાશે. જેથી જ્યારે જરૂર પડે ત્યારે એક સાથે વીજળી બંધ કરી શકાય જેથી દુશ્મન લક્ષ્ય ન જોઈ શકે. મહત્ત્વની બિલ્ડિંગો અને જગ્યાઓને છુપાવવા વ્યવસ્થા કરાશે. સ્થળાંતરની યોજનાને અપડેટ કરવામાં આવશે તેમજ તેનું રિહર્સલ પણ કરાશે.
કન્ટ્રોલર ઓફ સિવિલ ડિફેન્સ અને કલેક્ટર ડો.અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, યુદ્ધની પરિસ્થિતિમાં નાગરિકોનું રક્ષણ કેવી રીતે કરવું તે અંગે વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકોમાં આ મોકડ્રિલના માધ્યમથી વ્યાપક જનજાગૃતિ ઊભી કરવામાં આવશે. નાગરિક સંરક્ષણ પ્લાન અધ્યતન કરવા સાથે કલેકટર કચેરીમાં નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવશે.
દુશ્મનો દ્વારા હવાઈ હુમલો થાય તો તે અંગે શું તૈયારી રાખવી, નુકસાન થાય તો બચાવ રાહત કામગીરી, નાગરિકો માટે સલામત સ્થળ નક્કી કરવા, અસરકારક સંચાર વ્યવસ્થા, જરૂરી ખાદ્ય પુરવઠાની ઉપલબ્ધતા, પ્રાથમિક, સામુહિક આરોગ્ય કેન્દ્રો સહિત સરકારી હોસ્પિટલોમાં જરૂરી દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવા જેવી બાબતોની કવાયત મોકડ્રિલ દરમિયાન હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
વડોદરા શહેર જિલ્લામાં આગામી દિવસોમાં આપદા મિત્રો અને નાગરિક સંરક્ષણ એકમના સ્વયંસેવકો દ્વારા યુધ્ધની પરિસ્થિતિમાં નાગરિકોએ કેવી રીતે બચાવ કરવો તે અંગે જરૂરી તાલીમ પણ આપવામાં આવશે. જિલ્લા પ્રશાસન દ્વારા લોકોમાં જાગૃતિ આવે તેવા સર્વગ્રાહી પ્રયાસો કરવા સાથે હોમ ગાર્ડ, એન.સી.સી., નહેરુયુવા કેન્દ્રો, સ્ટુડન્ટ પોલીસ કેડેટનો પણ નાગરિકોની આત્મ સુરક્ષા માટે સહયોગ લેવામાં આવશે. સાંસદ અને ધારાસભ્યોએ પોતાના રચનાત્મક સૂચનો કર્યા હતા. આ બેઠકમાં મેયર પિન્કીબેન સોની, સાંસદ ડો.હિમાંશુ જોષી, ધારાસભ્યો મનીષાબેન વકીલ, ચૈતન્યસિંહ ઝાલા, કેયુરભાઈ રોકડિયા, ચૈતન્યભાઈ દેસાઈ, પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.